કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈને જિલ્લા કલેકટર રેમ્યા મોહને નર્સિંગ કોલેજની મદદ લેવા પ્રિન્સિપાલો સાથે બેઠક યોજી
રાજકોટ શહેર – જિલ્લામાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્રએ શહેર- જિલ્લાની ૧૦ નર્સિંગ કોલેજની મદદ લેવાનો નિર્ણય લીધો છે. જેને પગલે જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ કોલેજોના પ્રિન્સિપાલો સાથે ગઈકાલે બેઠક યોજી હતી.
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક વધી રહ્યો છે. સામે બેડની કેપેસિટી વધારવા તંત્ર કમર કસી રહ્યું છે. આ સાથે મેડિકલ સ્ટાફની સંખ્યાના વધારો કરવા પણ તંત્રએ કવાયત હાથ ધરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવીએ પણ સુરેન્દ્રનગર ખાતેની મુલાકાતમાં આ અંગે કહ્યું હતું કે મેડીકલ ક્ષેત્રના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ કોરોના સામેની જંગમાં જોડાઈ અને આરોગ્ય વિભાગને મદદરૂપ બને.
આમ હવે રાજ્ય સરકાર કોરોના વોરીયર્સની મોટી ફૌજ તૈયાર કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને પણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ગઈકાલે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શહેર અને જિલ્લાની ૧૦ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને નર્સિંગ કોલેજની મદદ લેવાનું નક્કી કરવાનું આવ્યું હતું.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મળતી માહિતી મુજબ હવે શહેર- જિલ્લાની ૧૦ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને કોરોના અંગેની ખાસ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ મેળવીને સજ્જ થયેલા વિદ્યાર્થીઓને જરૂર પડ્યે કોરોના સામેના જંગમાં ઉતારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે હાલ તો મેડિકલ સ્ટાફ પૂરતો હોવાનું તંત્રએ જાહેર કર્યું છે. પણ ભવિષ્યમાં સ્થિતિ વધુ વણસે તે માટે અત્યારથી જ તંત્રએ તકેદારી લેવાનું શરૂ કરી દીધું છે. જે સંદર્ભે નર્સિંગ કોલેજના અંતિમ વર્ષના છાત્રોને તાલીમ આપ્યા બાદ કોરોનાની ફરજ સોંપવામાં આવનાર છે. જો કે આ ફરજ સોંપતા પહેલા વિદ્યાર્થીઓની સંમતિ જરૂર લેવામાં આવનાર હોવાનું કલેકટર તંત્રમાંથી જાણવા મળ્યું છે.