શાળાઓ શરૂ થઈ છતા હજુ બીજી પ્રવેશ યાદી જાહેર કરાઈ ન હોવાથી વાલીઓ મુંઝવણમાં: રાજકોટમાં ૩૬૨ વિદ્યાર્થીઓ આરટીઈ પ્રવેશથી વંચિત
તાત્કાલીક આરટીઈની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવાના દાવા પોકળ
રાઈટ ટુ એજયુકેશન (આરટીઈ) એકટ અંતર્ગત ધો.૧માં પ્રવેશ માટેની કાર્યવાહી શૈક્ષણીક વર્ષ શરૂ થાય તે પહેલા પૂર્ણ કરવાનાં શિક્ષણ વિભાગના દાવા આ વર્ષે પોકળ સાબીત થયા છે. શિક્ષણ વિભાગ દ્વારા બે તબકકામાં પ્રવેશ યાદી જાહેર કરી જૂનના પ્રથમ સપ્તાહમાં કાર્યવાહી આટોપી લેવાની પોકાર હતી. પરંતુ સોમવારથી રાજયની શાળાઓમાં નવા શૈક્ષણીક વર્ષનો પ્રારંભ થઈ ચૂકયો છે. ત્યારે હજુ આરટીઈમાં પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર કરાયો ન હોઈ શંકા કુશંકા ઉભી થઈ છે.
આરટીઈ અંતર્ગત રાજકોટમાં કુલ ૪૮૩૧ વિદ્યાર્થીઓને જુદી જુદી સ્કુલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જોકે હજુ ૩૬૨ વિદ્યાર્થીઓ એવા છે કે જે હજુ પણ પ્રવેશ પ્રક્રિયાથી વંચિત છે.
બીજી તરફ જો વાત કરવામાં આવે તો કોર્ટ ચૂકાદા આવ્યા બાદ વેઈટીંગ આવ્યા બાદ બીજો તબકકો જાહેર થશે. એક બાજુ સ્કુલનું શૈક્ષણીક સત્ર ચાલુ થઈ ગયું છે. અને બીજી તરફ હજુ બીજો તબકકો ચાલુ ન થતા વાલીઓ પણ મુંઝવણમાં મૂકાયા છે.
આ તકે આરટીઈના પ્રાથમિક શિક્ષણ નિયામક વિમલ જોષી સાથે ટેલીફોનીક સંપર્ક સાધતા તેઆએ પોતાના હાથ અધ્ધરતાલ કરી દીધા હતા. અને એક પણ પ્રકારની આરટીઈને લગતી માહિતી આપી ન હતી.
આરટીઈ પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સમયસર થવી જોઈએ: ડો.પ્રિયવદન કોરાટ
રાઈટ ટુ એજયુંકેશન એકટ અંતર્ગત ધો.૧માં પ્રવેશ માટેની કાર્યવાહી શૈક્ષણીક વર્ષ શરૂ થાય તે પહેલા પૂર્ણ કરવા શિક્ષણ વિભાગ આ વર્ષે ખરૂ ઉતર્યું નથી.જે રીતે પ્રથમ રાઉન્ડમાં ૯૬૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.
જોકે હજુ બીજી યાદીની તારીક પણ નકકી થઈ નથી અને નવુ શૈક્ષણીક સત્ર શરૂ થઈ ચૂકયું છે. આવા સમયે યુધ્ધના ધોરણે આરટીઈ પ્રવેશની કામગીરી પૂર્ણ થવી જોઈએ, હાલ તોજે વિદ્યાર્થી આરટીઈની પ્રવેશ માટે વંચિત છે. તેઓનો અભ્યાસ બગડશે તે નકકી છે.આવી કામગીરી સમયસર થાય તે અનિવાર્ય છે તેમ બોર્ડના સભ્ય પ્રિયવર્ધન કોરાટે જણાવ્યું હતુ.