22 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન: ઓલ ઈન્ડિયા ક્વોટાની જેમ સ્ટેટ ક્વોટામાં પણ ચાર રાઉન્ડ કરવામા આવશે

પીજી મેડિકલ અને ડેન્ટલના ઓલ ઈન્ડિયા ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૃ થઈ ગઈ છે ત્યારે  સ્ટેટ ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા પણ આજથી જ શરૃ કરી દેવાની જાહેરાત કરી દેવામા આવી છે.સ્ટેટ ક્વોટા માટે 21મી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. આ વર્ષે પીજી મેડિકલમાં ત્રણ ખાનગી કોલેજોમાં બેઠકો વધી છે.જ્યારે રાજ્ય સરકારે પીજી પ્રવેશ માટેના એલિજિબિલિટીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.જે મુજબ હવે રાજ્ય બહારથી કે વિદેશથી એમમબીબીએસ અને બીડીએસ પાસ થયેલા વિદ્યાર્થીને પણ ગુજરાતના પીજી મેડિકલ-ડેન્ટલ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મળશે.

પીજી મેડિકલ ડિગ્રી તથા ડિપ્લોમા અને પીજી ડેન્ટલમાં સરકારી કોલેજોની ઓલ ઈન્ડિયા ક્વોટાની 50 ટકા બેઠકો કેન્દ્ર સરકારની મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા ભરાય છે જ્યારે બાકીની બેઠકો સ્ટેટ ક્વોટામાં ભરાય છે.ગુજરાત સરકારના પીજી મેડિકલ-ડેન્ટલના પ્રવેશના-એલિજિબિલિટીના નિયમો મુજબ અત્યાર સુધી સ્ટેટ ક્વોટાની બેઠકોમાં ગુજરાતની યુનિ.માંથી જ એમબીબીએસ પાસ થયેલ બીડીએસ પાસ થયેલ વિદ્યાર્થીને પ્રવેશ મળતો હતો. પરંતુ  અન્ય રાજ્યોમાંથી અથવા વિદેશથી એમબીબીએસ-બીડીએસ પાસ કરનાર વિદ્યાર્થીને પ્રવેશ ગુજરાતની સ્ટેટ્ ક્વોટાની બેઠકોમાં મળતો ન હતો.

જેથી આ બાબતે મૂળ ગુજરાતના અને બહારથી ભણનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી રજૂઆતો કરવામા આવી હતી.જેને પગલે આ વર્ષે રાજ્ય સરકારે પીજી મેડિકલ-ડેન્ટલના પ્રવેશ-એલિજિબિલિટી નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જે મુજબ હવે ગુજરાતની યુનિ.ઓમાંથી એમબીબીએસ-બીડીએસ કરનાર વિદ્યાર્થી ઉપરાંત ગુજરાત બહાર કોઈ પણ રાજ્યમાંથી કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી માન્ય યુનિ.માંથી એમબીબીએસ કે બીડીએસ કર્યુ હોય અને વિદેશમાંથી એમબીબીએસ કે બીડીએસ કર્યુ હોય તેને પણ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મળશે.વિદેશથી પાસ વિદ્યાર્થીએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર પ્રવેશ કાર્યક્રમ મુજબ સ્ટેટ ક્વોટા માટે 25મીથી  કે ત્યારબાદ એક બે દિવસમાં પ્રથમ રાઉન્ડ કરાશે. ઓલ ઈન્ડિયા ક્વોટાની જેમ સ્ટેટ ક્વોટામાં પણ ચાર રાઉન્ડ કરવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.