એજ્યુકેશન ન્યુઝ
વિદ્યાર્થીઓને અભ્યાસની બ્રાન્ચ બદલવાની પણ મંજૂરી આપવામાં આવશે: સ્નાતક કક્ષાએ લીધેલા સિવાયના વિષયમાં પણ હવે વિદ્યાર્થીઓ માસ્ટર્સ કોર્ષ કરી શકશે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા તાજેતરની બેઠકમાં મંજૂર કરાયેલા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ અને ક્રેડિટ ફ્રેમ વર્કમાં વિદ્યાર્થીઓ માટે કેટલાક રાહત ભર્યા નિર્ણયો લેવાયા છે. એક સપ્તાહ અગાઉ યોજાયેલી યુજીસીની બેઠકમાં એક વર્ષનો માસ્ટર પ્રોગ્રામ, વિદ્યાર્થીઓને અભ્યાસની શાખા બદલાવાની છૂટ તેમજ ઓફલાઇન, ઓનલાઇન કે હાઇબ્રિડ અભ્યાસ કરવાના વિકલ્પો આપવામાં આવ્યા છે.
જે સંદર્ભે યુજીસીના ચેરમેન જગદીશ કુમારના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને એક અભ્યાસ શાખામાંથી અન્ય શાખામાં જવાની મંજૂરીએ આ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની સૌથી મહત્વની બાબત છે. આ ફ્રેમ વર્ક વિદ્યાર્થીઓને કોઇપણ પ્રવાહમાં માસ્ટર કરવાની તક પૂરી પાડે છે. એટલું જ નહિં પરંતુ તેઓ સ્નાતક કક્ષાએ લીધેલા વિષયથી અલગ વિષયમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકશે. જો કે, આ માટે તેમણે સીયુઇટી-પીજી જેવી એન્ટ્રન્સ પરીક્ષામાં ક્વોલિફાઇ થવાનું રહેશે. યુજીસી વર્તમાન બે વર્ષના માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામની સાથેસાથે જ એક વર્ષનો માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ પણ શરૂ કરશે.
જે વિદ્યાર્થીઓએ કોઇપણ વિષયમાં ચાર વર્ષનો અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ, ત્રણ વર્ષનું અન્ડર ગ્રેજ્યુએશન અને બે વર્ષનો માસ્ટર પ્રોગ્રામ અથવા પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ કર્યો હશે તેઓ એમ.ઇ.-એમ.ટેક.ના સંલગ્ન ક્ષેત્રેના પ્રવાસ માટે લાયક ગણાશે.
આગામી શૈક્ષણિક સત્રથી એક વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીની શરૂઆત થઇ શકે છે. યુજીસીએ ડ્રાફ્ટ તૈયાર કરીને અપડેટ આપી દીધું છે અને આ જ સપ્તાહે અલગ-અલગ રાજ્યો અને યુનિવર્સિટીને મોકલવામાં આવશે.
આ ઉપરાંત વાત કરવામાં આવે તો યુજીસીએ વિદ્યાર્થીઓને બે ફૂલટાઇમ અને સમાન લેવલના ડિગ્રી પ્રોગ્રામ એકસાથે કરવાની મંજૂરી આપી છે. વિદ્યાર્થી એક અથવા જુદી-જુદી યુનિવર્સિટીમાં ફિઝીકલ મોડમાં આ કોર્ષ કરી શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આ મુદ્ે વિગતો પણ બહાર પાડી દીધી છે. જેની મદદથી વિદ્યાર્થી ફિઝીકલ મોડમાં એક સાથે બે ડિગ્રી કોર્ષ કરી શકશે. બંને ડિગ્રી સમાન કે અન્ય યુનિવર્સિટીમાંથી પણ મેળવી શકશે. વિદ્યાર્થીઓ એકસાથે ફિઝીકલ અને ઓનલાઇન માધ્યમ દ્વારા પણ બંને ડિગ્રી મેળવી શકશે.