કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ બાદ ગઈકાલે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં પ્રથમ વાર ધો.10ના 8.57 લાખ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનને કારણે પાસ થઈ ગયા છે. આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ શાળાએ ગુણપત્રની નકલ લેવા પહોંચ્યા હતા. જોકે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્ક્સશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે.
આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ક્સશીટ લેવા માટે પહોંચ્યા હતા.આ માર્ક્સશીટ માત્ર એડમિશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્ક્સશીટ આપવામાં આવી હતી, પરંતુ ઓરિજિનલ માર્ક્સશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે રિઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.
ઇતિહાસમાં પ્રથમવાર ધો.10ના 8.57 લાખ ઉમેદવારો ઉત્તીર્ણ
સૌરાષ્ટ્રમાં ધો.10માં A1 ગ્રેડમાં રાજકોટમાં સૌથી વધુ 2056 વિદ્યાર્થીઓ : સૌથી વધુ A1 ગ્રેડ મેળવવામાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે રહ્યું
પરિણામ લેવા વિદ્યાર્થીઓ શાળાઓમાં પહોંચ્યા: ભારે ઉત્સાહ
વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં શાળામાં બોલાવવામાં આવશે. હાલમાં શાળા કક્ષાએ પરિણામની ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્ક્સશીટ અપાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક્સશીટની હાર્ડકોપીનું વિતરણ શાળા કક્ષાએ જુલાઈના બીજા સપ્તાહમાં કરાશે. પરિણામ પત્રકમાં વિવાદ બાદ “માસ પ્રમોશન” નો ઉલ્લેખ નહીં. માર્ક્સશીટમાં “qualified for secondary school certificate” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં કુલ 41739 વિદ્યાર્થી નોંધાયેલા હતા જેમાંથી 2056 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે જ્યારે 5270 વિદ્યાર્થીને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્રમાં ધો.10માં A1 ગ્રેડમાં રાજકોટમાં સૌથી વધુ 2056 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
રાજ્યમાં સૌથી વધુ એ-1 ગ્રેડ મેળવવામાં 2991 વિદ્યાર્થીઓ સાથે સુરત પ્રથમ નંબરે જ્યારે રાજકોટ 2056 વિદ્યાર્થી સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યું છે. રાજકોટના કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી 7482 વિદ્યાર્થીને બી-1, 8815 વિદ્યાર્થીઓને બી-2, 8061 વિદ્યાર્થીને સી-1 ગ્રેડ, 5817 વિદ્યાર્થીએ સી-2 ગ્રેડ અને 4238 વિદ્યાર્થીને ડી ગ્રેડ પ્રાપ્ત થયો છે.
આ વર્ષે કોરોના મહામારીને કારણે તમામ નોંધાયેલા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા તમામ ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજ્યમાં કુલ 8,57,204 ઉમેદવાર નોંધાયા હતા જેમાંથી 4,90,482 વિદ્યાર્થી અને 3,66,722 વિદ્યાર્થિની નોંધાઇ હતી.