પુલ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાઈ: લોકોને ભારે હાલાકી
જુનાગઢનાં માલણકા નજીક થોડા દિવસ પૂર્વે પુલ ધરાશાયી થયો હતો. આ પુલ પસાર કરવા માટે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.
રાહદારીઓ જીવનાં જોખમે આ પુલને ઓળંગી રહ્યા છે. સામે તંત્રની નિષ્ક્રીયતાને લીધે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જુનાગઢનાં માલણકા પાસે આવેલો પુલ ધરાશાયી થયો હતો જેમાં ઘણા વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી.
આ પુલ હજી યથાવત સ્થિતિમાં રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ આ પુલને જીવન જોખમે ક્રોસ કરી રહ્યા છે. તંત્રની ઢીલી નીતિનાં કારણે અહીંના સ્થાનિકો રોષે ભરાયા છે. આ અંગે ત્વરીત કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જુનાગઢ-સાસણ તરફ જવાનાં રસ્તે આવેલા માલણકા ગામે ગત અઠવાડિયે વર્ષો જુના જર્જરીત પુલ ધરાશાયી થતાં પુલ ઉપરથી પસાર થતી ૩ કાર અથડાઈ હતી અને કારમાં બેઠેલી મહિલા સહિત ૩ વ્યકિતઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પુલ ધરાશાયી થયા બાદ ગ્રામજનોએ મદદે આવી કાર ચાલક અને કારમાં બેઠેલા લોકોને બચાવ્યા હતા અને સારવારમાં ખસેડયા હતા. આ રસ્તા પરથી રોજ હજારો લોકો પસાર થતા હોય અને પુલ ધરાશાયી થયા બાદ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો પરંતુ નજીકનાં ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પુલ ધરાશાયી બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી.
લોકોને અને વિદ્યાર્થીઓને અવર-જવર કરવા માટે ધરાશાયી થયેલા પુલમાં જીવનાં જોખમે રસ્તો ઓળંગવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા લોકોમાં રોષની લાગણી ફરી વળી છે અને તંત્રની ઢીલી નીતિ સામે લોકોએ રોષ ઠાલવી આક્રોશ વ્યકત કર્યો છે.
તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ડાયવર્ઝન નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં હજુ પણ વિદ્યાર્થી કે કોઈ રાહદારી દુર્ઘટનાનો ભોગ બને તેવી ભીતિ સર્જાય રહી છે.