- સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા 25મી રાષ્ટ્રકથા શિબીરમાં ચોથા દિવસનું પ્રવચન સત્ર યોજાયું
- કર્ણાટક હાઈકોર્ટના જસ્ટીસ કિષ્ના ભટ્ટ અને કેરલા હાઈકોર્ટના જસ્ટીસ એ.એમ. મોહમ્મદ મુસ્તાક સહિતના રહ્યા ઉપસ્થિત
પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજીત 25મી રાષ્ટ્રકથા શિબીરના આજે ચોથા દિવસના પ્રવચન સત્રને દિલ્હીથી ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ.અજયકુમાર સુદ, બેંગ્લોરથી કર્ણાટક્ હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના ભટ્ટ, કેરાલા હાઇકોર્ટના જસ્ટીસ એ.એમ. મોહમ્મદ મુસ્તાક તેમજ નેવીના રીઅર એડમીરલ સતીષ વાસુદેવન ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામી ધર્મબંધુજીએ શિબીરાર્થીઓને જીવનમાં સક્ષમ બનવા પ્રેરતા જણાવેલ કે, સૌથી આવશ્યક કાર્યને સૌથી પહેલા કરવુંં, શારિરીક સ્વસ્થતા અને માનસિક દ્રઢતા જાળવી રાખવી, સદૈવ જ્ઞાન પ્રાપ્ત કરવા અધ્યયનશીલ રહેવું. આ તબક્કે તેમણે જ્ઞાન પ્રાપ્તિના ચાર સ્રોત પરિવાર, સમાજ, શાળાકીય/ કોલેજનો અભ્યાસક્રમ અને કુદરત વિશે વિસ્તારથી સમજાવ્યું હતું. ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે કર્મઠતા પૂર્વક પ્રયાસો કરવા.
તેમણે ઉમેર્યુ હતું કે, વિદ્યાર્થી અવસ્થા એ જીવન ઘડતરનો સુવર્ણ તબક્કો છે. જે વિદ્યાર્થી તેના જીવનના પ્રથમ 25 વર્ષ શિસ્તબધ્ધ, સંયમપૂર્વક અધ્યયન કરીને કારકિર્દી ઘડતર કરે છે તે બાકીના જીવન આરામદાયક, સન્માનિય જીવન જીવે છે. જયારે તેનાથી ઉલટું જે વિદ્યાર્થી પોતાના જીવનના આરંભિક સમયગાળો મોજ મસ્તી અને આળસમાં પસાર કરે છે તેની કોઇ ઓળખ ઉભી થતી નથી અને જીવનભર શ્રમિક કાર્યોમાં જોતરાયેલું રહેવું પડે છે.
આ તબક્કે તેમણે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવા માટે ચાર નિયમોના પાલન કરવા જણાવેલ : સમય પહેલા કલાસરૂમમાં પહોંચવું, અધ્યાપકની વાતને એકાગ્રતાથી સાંભળવી, નિયમિત હોમવર્ક કરવું અને કાલે જે કલાસરૂમમાં ભણવાનું હોય તેનો આગલા દિવસે અભ્યાસ કરીને જવું.
વધુમાં તેમણે જીવનમાં કયારેય વિશ્ર્વાસદ્રોહ ના કરવા સમજાવેલ કે, એકવાર ગુમાવેલ સંપતિ, સ્વાસ્થય પાછા પ્રાપ્ત કરી શકાય છે પરંતુ એકવાર કોઇનો વિશ્ર્વાસભંગ થાય પછી તેનો પુન: વિશ્ર્વાસ પ્રાપ્ત કરવો અસંભવ થઇ જાય છે.
બેંગ્લોરથી પધારેલ કર્ણાટક્ હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના ભટ્ટએ જણાવ્યું હતું કે, માત્ર અંગ્રેજી ડિક્ષનરીમાં જ ‘સકસેસ’ એટલે કે સફળતા ‘વર્ક’ અર્થાત મહેનત પહેલા આવે છે. હકીકતમાં કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. સફળતા માટે સાવ નીચેથી શરૂઆત કરવી પડે છે. આપની ઋચિ અનુસાર જીવનમાં યોગ્ય ધ્યેય નક્કી કરી તેને પામવા માટે આયોજન કરો. આ સાથે સંનિષ્ઠ અભિગમ જ તમારા ધ્યેયની ઉંચાઇને આંબવાની શકયતા નિર્ધારીત કરે છે તેમ સમજાવી સફળતા પામવાની સાથે સર્વ જીવ પ્રત્યે અનુકંપા દાખવવા અનુરોધ કર્યો હતો.
વિશેષપણે આદી શંકરાચાર્યની જેમ સ્વામી ધર્મબંધુજી વષર્ર્ દરમિયાન સતત ભારત ભ્રમણ કરીને અહીંયા આપણે સહુને ભારત દર્શન કરાવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે સહુને માર્ગદર્શિત કરે છે આવા અનન્ય પ્રયાસોમાટે તેમણે સ્વામીજીને વંદન કર્યા હતા.
કેરાલા હાઇકોર્ટના જસ્ટીસ એ.એમ. મોહમ્મદ મુસ્તાકએ શિબ્રિાર્થીઓને પરોપકારી કાર્યોથી જ સાચી ખુશી મળે છે એમ સમજાવતા જણાવેલ કે, પ્રત્યેક વ્યક્તિ પોતાની અને પોતાની પરિવારની પૂર્તતા માટે આર્થિક ઉપાર્જન કરવા ક્રિયાશીલ રહે છે. પરંતુ આ સાથે સદૈવ સમાજઅને રાષ્ટ્રના ઉત્થાનમાં પણ યથાશક્તિ યોગદાન આપે તો જ તેના જીવનની સાર્થકતા તે અનુભવી શકે છે.
આ સાથે તેમણે શિબિરાર્થીઓને જણાવેલ કે, સાંપ્રત સમયમાં આપણા રાષ્ટ્રમાં ડીજીટલ ઇન્ડિયા સહિતના ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રના અપાર પરિવર્તનો આવી રહ્યા છો ત્યારે આપ સહુ ભારતનું ભાવિ ઉન્નત થાય એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
નેવીના રીઅર એડમીરલ સતીષ વાસુદેવનએ શિબિરાર્થીઓને વિશ્ર્વનો 70 % વિસ્તાર સમુદ્ર દ્વારા રોકાયેલ છે અને 90 % વેપાર સમુદ્ર માર્ગે થાય છે તેમ જણાવીને ભારતના સમુદ્ર ઇતિહાસ વિશે માહિતગાર કર્યા હતા.
ભારતની 11099 જેટલી વિશાળ સમુદ્ર સીમાઓની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ થતા કાર્યો વિશે પીપીટીથી વિસ્તૃત સચિત્ર માહિતી આપતા એડમીરલ વાસુદેવને ભારતીય નૌકાદળની રચના, તેની પાસે ઉપલબ્ધ શીપ, સબમરીન, એર ક્રાફટ વિગેરેની સચિત્ર જાણકારી આપી હતી.
તેમણે ભારતીય નૌકાદળમાં પાંચ રીતે જોડાઇ શકાય, અભ્યાસ, મેડીક્લ, મરીન એન્જીનીયરીંગ, ઇલેકટ્રીકલ એન્જીનિયરીંગ અને એકઝીકયુટીવ તરીકે એમ જણાવીને તેમાં પ્રવેશ માટેની લાયકાત અને પરિક્ષા વિશે પણ જણાવેલ.
શિબિર પછી સમી સાંજે નેવી દ્વારા હેરત અંગેજ ડ્રીલ પણ યોજાઇ હતી.
રાષ્ટ્રની પ્રગતિના શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન આ ચાર આધાર સ્તંભ જરૂરી છે: ડૉ. અજયકુમાર સુદ
દિલ્હીથી પધારેલ વિદ્વાન વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. અજયકુમાર સુદ એ રાષ્ટ્રની પ્રગતિના ચાર આધાર સ્તંભ લેખાવ્યા હતા શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન. જે રાષ્ટ્ર પાસે આ ચાર પરિબળો સબળ હોય તેની સાથે અન્ય પરિબળો જોડાઇ જાય અને જે તે રાષ્ટ્ર વિકાસની નવી ક્ષિતિજ સર કરી શકે. વધુમાં ડૉ. અજયકુમાર સુદ એ વિજ્ઞાન કુદરત પાસેથી પ્રેરણા મેળવે છે તેની સરળ રજુઆત કરતી પીપીટી દર્શાવી અને સરળ ભાષામાં જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના જાણીતા સિધ્ધાંતો કેવી રીતે મળ્યા છે તે સમજાવ્યું હતું. જેમ કે, નોબલ પારિતોષિક સન્માનિત વૈજ્ઞાનિક સી.વી. રામન જયારે સમુદ્ર પ્રવાસે હતા ત્યારે સમુદ્રનો નીલો રંગ એ સુર્યકિરણોના વિભાજનથી થાય છે તેમ પોતાના સંશોધનથી સાબિત કરેલ જે રામન ઇફેકટ તરીકે ઓળખાય છે. આ એક સંશોધન એ અનેક સંશોધનની દિશા ખોલી આપી. આવી જ રીતે પક્ષીઓનું ઝુંડ, કિટાણુઓ, માછલીઓનું સમુહમાં વિચરણથી ફલોકીંગનો સિધ્ધાંત મળ્યો. આવા અનેક વૈજ્ઞાનિક નિયમોની શોધ હકીકતમાં કોઇના મનમાં ઉદભવેલ જિજ્ઞાસાનું સમાધાન હતું એમ સમજાવીને ડો. સુદ એ હંમેશા અભ્યાસ સાથે ઉદભવતા સંશયો વિશે વધુ જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો.