પિતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા પુત્રીએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
શહેરના ભાગોળે આવેલા ઠેબચડા ગામમાં આજરોજ ધો.12ની વિદ્યાર્થીએ પોતાના ઘરે ઝેરપી આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પિતાએ શાળાએ મોબાઈલ સાથે લઈ જવાની ના પાડતા માઠું લાગી આવતા પુત્રીએ આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ઠેબચડા ગામમાં રહેતા અંકિતા સોમદેવભાઈ વાછાણી નામની 18 વર્ષીય યુવતીએ પોતાના ઘરે મોનોકોટો પી લેતા તેણીને તાત્કાલિક ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવારમાં જ અંકિતા વાછાણીએ દમ તોડી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અંકિતા વાછાણી ધો.12માં અભ્યાસ કરે છે અને તેના પિતા સોમદેવભાઈ ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. અંકિતા વાસણીને બપોરે 11 વાગ્યાની શાળા હોય જેને શાળા એ મોબાઈલ લઈ જવાની પિતાએ ના પાડતા તેણીને માઠું લાગી આવતા ઝેર પી આપઘાત કર્યાનો પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. મૃતક અંકિતા વાછાણી એક ભાઈ એક બહેનમાં મોટી હોવાનુ જાણવા મળ્યું છે.