જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ પાસે ત્રણ પાસધારક વિદ્યાર્થીઓને ત્યાં બસનો સ્ટોપ ન હોવાનું કહેવાતા આ વિદ્યાર્થીઓએ બસ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના કંડોરણા ગામના રહેવાસી અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી.)માં ડ્રાઈવર તરીકે નોકરી કરતા નિલેશભાઈ કાનાભાઈ ભુતિયા ગઈકાલે સવારે ખંભાળિયાથી જામનગર જીજે-૧૮-ઝેડ ૩૯૫ નંબરની એસ.ટી.ની બસ લઈને આવવા માટે નીકળ્યા હતા.આ બસ જ્યારે મેઘપર ગામ પાસે પહોંચી ત્યારે ત્યાં અઢારથી વીસ વર્ષની વયના લાગતા ત્રણ વિદ્યાર્થીઓ બસ સ્ટોપ પાસે ઉભા હતા
તેઓએ હાથ ઉંચો કરી બસ ઉભી રખાવ્યા પછી બસમાં ચડવાનો પ્રયત્ન કરતા કંડકટરે અહીં બસનો સ્ટોપ નથી તેમ કહેતા પાસધારક એવા આ વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કર્યા પછી નજીકમાં પડેલા પથ્થરો ઉપાડી બસ પર છૂટા ઘા કર્યા હતા જેના કારણે બસનો કાચ ફૂટી ગયો હતો.
આ બનાવ અંગે ડ્રાઈવર નિલેશભાઈએ મેઘપર પોલીસ સ્ટેશનમાં જોવાથી ઓળખતા હોય તેવા ત્રણ વિદ્યાર્થીઓ સામે બસ પર પથ્થરમારો કરી રૃા.૧પ૦૦ની નુકસાની કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૧૧૪ અને પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ૩ (ર) (ઈ) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.