સંભવિત વાવાઝોડાને ધ્યાને રાખી એસટી બસો અને સ્ટાફ સ્ટેન્ડ ટુ
ટાઉતે વાવાઝોડાંને પગલે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડું સૌરાષ્ટ્રમાં ત્રાટકે તે પહેલાં જ દરિયાકાંઠા વિસ્તારની એસ.ટી બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત ગામડાઓમાં જતી 50થી વધુ એસટી બસો આજ સાંજ સુધી બંધ કરી દેવામાં આવી છે. જોકે વાવાઝોડું ફંટાઈ જાય તો આ બસ પુન: શરૂ કરવામાં આવશે.
રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ દરીયાકાંઠા વિસ્તારની એસ.ટી બસો હાલ પૂરતી બંધ કરવામાં આવી છે અને જે બસ અત્યારે એવા વિસ્તારોમાં હોય તેને પરત બોલાવી લીધી છે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, વાવાઝોડામા રાહત કાર્ય માટે એસ.ટી બસોની જરૂર હશે તો તંત્ર દ્વારા એસ.ટી બસ મુકવામાં આવશે.હાલ 500 માંથી 180 એસટી જ એટલે કે, 40 ટકા સંચાલન ચાલુ છે. ત્યારે એસટી બસ બંધ રહેતા મુસાફરોને કોઈ જ મુશ્કેલી નહીં પડે.