જંત્રીદરમાં હાલ કરતા બેગણો વધારો ઝીંકાય તેવી શકયતા
લાંબા સમયથી ગુજરાત સરકારે જંત્રીના દરમાં ફેરફાર કર્યો નથી. હવે આગામી દિવસોમાં જંત્રીનો રેટ ડબલ કરવાની કવાયત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નવા જંત્રીદર અમલમાં મૂકવામાં આવે તેવી શકયતા જોવાઈ રહી છે.
ગુજરાતમાં છેલ્લે જંત્રીના દરમાં ફેબ્રુઆરી 2007માં 50 ટકાનો વધારો થયો હતો. આ પહેલા જંત્રી દરમાં સુધારો 1999માં કરાયો હતો ત્યાર પછી 2011માં જંત્રી દરમાં ફરી સુધારો કરાયો હતો. આ અંગે મહેસુલ અધિકારીએ વધુમાં જણાવ્યું હતુ કે અત્યારે રાજયમાં જંત્રી દર અને મિલ્કતની વાસ્તવિક બજાર ભાવમાં મોટો ફરક છે. ગ્રામ્ય વિસ્તારમાં આ ફરક 50 ટકાનો જયારે શહેરી વિસ્તારમાં આ ફરક 80 ટકા જેવો જોવા મળે છે. આ ફરકને ઘટાડીને સરકારને વધુ આવક થાય તે માટે આ કવાયત હાથ ધરાય રહી છે. આ અંગે અગાઉ મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતુ કે તેમના વિભાગ દ્વારા જંત્રીદરને રિવાઈઝ કરવા આયોજન ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સરકારની પ્રાથમિકતા એવા વિસ્તારો પર વધારે છે જયાં મિલ્કતના બજારભાવ અને જંત્રીદરમાં બહુ મોટો ફરક છે. હજુ સુધી આ અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓને કોઈ સતાવાર સુચના અપાઈ નથી. કેગે પણ ગયા વર્ષે ધ્યાન દોર્યું હતુ કે હાલના જંત્રી દર અને મિલ્કતના વાસ્તવિક બજાર ભાવમાં ભારે ફરક હોય રાજયની તિજોરીને ભારે નુકશાન થઈ રહ્યું છે. આ અહેવાલમાં કેગે જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર 2012 થી 2017 સુધીનાં વાર્ષિક સ્ટેટમેન્ટ દર લાગુ કરવામાં નિષ્ફળ રહી છે. એક તરફ એવો પણ દાવો થઈ રહ્યો છે કે જંત્રીદરમાં ફેરફાર ન થવાથી સરકારી તિજોરીને રૂ. 40,000 કરોડની નુકસાની થઈ છે. આ નુક્સાનીનો દોર ચાલુ જ રહ્યો છે. હવે આ નુકસાની નિવારવા સરકારે જંત્રીદરમાં ફેરફાર કરવો એક માત્ર ઉપાય છે.
જંત્રીના દરમાં વધારો શા માટે?
કોઈપણ મિલકતની લે-વેચ માટે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે અને તે સરકાર દ્વારા નક્કી કરાયેલી જંત્રીના દરના આધારે નક્કી થાય છે એટલે સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરાય તો, સ્ટેમ્પ ડ્યૂટીની આવક વધી શકે છે.
રાજ્ય સરકાર શા માટે દ્વિધામાં છે?
જંત્રી વધારવા રાજ્યભરના તમામ વિસ્તારોમાં મિલકતોના બજાર ભાવ, સરકાર દ્વારા વધારાયેલી માળખાકીય સુવિધાઓ સહિતના તમામ બાબતોનો સરવે પૂરો કરી દેવાયો છે. સરકાર માટે દ્વિધા એ છે કે, (1) આગામી સમયમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તેના પર કોઈ વિપરિત અસર ન પડે (2) હાલ મંદીની સ્થિતિ છે ત્યારે જંત્રીના દરમાં વધારાની સીધી અસર રીયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર પડી શકે છે, જે સરકાર માટે નકારાત્મક સ્થિતિ ઊભી કરી શકે છે.
જંત્રી દર વધારવા સુપ્રીમમાં પણ નખાયો છે ધા
રાજ્યમાં વર્ષ 2011માં જમીનની જંત્રીની કિંમતમાં વધારો કરાયો હતો. આ પછી તેમાં કોઈ વધારો થયો નથી. હાલ બજારભાવ 1400 ગણા થયા છે. જ્યારે જંત્રીના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેના લીધે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.અને રાજ્ય સરકારને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. આ મુદા ઉપર કરાયેલી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.
સરકાર જંત્રીદરમાં તબક્કાવાર વધારો કરે : પરેશ ગજેરા
રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકારે સર્વે હાથ ધરી વિસ્તાર પ્રમાણે જંત્રી દરમાં વધારો કરવો જોઈએ. ઉપરાંત તેઓએ જણાવ્યું કે હાલની સ્થિતિ પ્રમાણે એક વર્ષ સુધી સરકારે જંત્રી દરમાં વધારો જ કરવો જોઈએ. સરકારે જો જંત્રી દરમાં વધારો કરવો હોય તો દર વર્ષે 20થી 25 ટકા જેવો વધારો તબક્કાવાર કરવો જોઈએ. અંતમાં તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા જો જંત્રીદરમાં વધારો થશે તો હવે ઘર અને ઓફિસો મોંઘી બનશે.