રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં ગત રવિવારે વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં એક વૃદ્વ મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે કોર્પોરેશન દ્વારા ગઇકાલથી જ શિવમ કોમ્પ્લેક્સના બંને બિલ્ડીંગોને સીલ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે અધિકારીઓએ જણાવ્યું હતું કે શિવમ કોમ્પ્લેક્સ એશોસિએશન દ્વારા બિલ્ડીંગનું સ્ટ્રક્ચર સ્ટેબિલીટી સર્ટિફીકેટ રજૂ કરાયા બાદ જ બિલ્ડીંગના સીલ ખોલવામાં આવશે. બીજી તરફ વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનાના પગલે એફએસએલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ એક-બે દિવસમાં આવી જાય તેવી સંભાવના જણાઇ રહી છે.
ધરાશાયી થયેલા સ્લેબનો નમૂનો એફએસએલ દ્વારા લેવાયા: ટૂંક સમયમાં આવશે રિપોર્ટ
આ અંગે ઇજનેરી સૂત્રોના જણાવ્યાનુસાર ગત રવિવારે વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થઇ ગયા બાદ તકેદારીના ભાગરૂપે સર્વેશ્ર્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સ-1 અને 2 એમ બંને બિલ્ડીંગો સીલ કરી દેવામાં આવ્યા છે. 84 ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી છે. એશોસિએશનને નોટિસ આપી દેવામાં આવી છે અને સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. તમામ ઓફિસો પર પણ નોટિસ લગાવી દેવાઇ છે. સાથોસાથ એશોસિએશનને એવી પણ તાકીદ કરાઇ છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ જ બિલ્ડીંગમાં ઓફિસો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. દરમિયાન ઓફિસધારકો દ્વારા હાલ એસોઇસેશન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં અનેક બિલ્ડીંગો એવા છે કે જેના એશોસિએશન નથી. જેના કારણે બિલ્ડીંગ વ્યવસ્થિત મેઇન્ટેન થતાં નથી. બીજી તરફ શિવમ કોમ્પ્લેક્સને એવી તાકીદ કરવામાં આવી છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ નહિં કરે ત્યાં સુધી કોઇ કાળે બિલ્ડીંગના સીલ ખોલવા દેવામાં આવશે નહિં.
વોંકળાનો સ્લેબ તુટવા માટે જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓને “પાણીચું” પકડાવો
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી કડક સજાની માંગણી કરી
શહેરના સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પર ગેરકાયદેસર રીતે બંધાવામાં આવેલો સ્લેબ તૂટી પડતા 11 નાગરિકોને ગંભીર ઈજાઓ થઈ છે. પર્યાવરણ વિભાગ, બાંધકામ વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરી તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવા તેમજ વોંકળા ઉપર મંજુર તેમજ ગેરકાયદેસર તમામ પ્રકારના બાંધકામોને દુર કરી વોંકળાને મુળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરવા બાબતે કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરાય છે.
પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત આ જગ્યાએ ત્રણ વોંકળાનું સંગમ સ્થાન છે. ત્યાં ક્યારે સફાઇ કરવામાં આવી? કેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો? ઘટના સ્થળવાળી જગ્યાની અંદર વોંકળા સફાઇ માટે ક્યા સફાઇ કામદારોને ઉતારવામાં આવ્યા હતા. આ વોંકળા સફાઇ માટે અવર-જવર માટેની જગ્યા કંઇ હતી. તેમજ આ વોંકળામાંથી છેલ્લાં દસ વર્ષમાં કાઢવામાં આવેલ કચરો અને સફાઈ સબંધી તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે.
સ્થળના વોંકળાનો સ્લેબ ચકાસવાની જવાબદારી બાંધકામ વિભાગના સીટી ઈજનેર તેમજ વોર્ડ ઈજનેરની હોય છે. તેમનાં દ્વારા આ વોંકળાના બાંધકામ સંબંધી કોઈ રેકર્ડો રાખવામાં આવ્યો હોય તો તેની ચકાસણી કરવી, નિયમ અનુસાર પ્રિમોન્સુન કામગીરીમાં આવા વોંકળાઓનું સમયાંતરે ફીઝીબીલીટી ચકાસવાની જવાબદારી બાંધકામ વિભાગના જે જવાબદાર અધિકારી હસ્તક હોય તેમની સામે અત્યાર સુધીનાં રેકોર્ડની ખરાઈ કરી કાર્યવાહી કરવામાં આવે.
ટાઉન પ્લાનીંગ અધિકારી અને તેમની નીચેના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા આ બાંધકામ સંબંધે ભૂતકાળમાં આપવામાં આવેલી મંજુરીઓ તેનાં પ્લાન, નકશાઓ, સ્ટ્રકચર અંગેનું સ્ટ્રક્ચર એન્જી.નું પ્રમાણપત્ર અને બાંધકામ સબંધી જીડીસીઆરના નિયમો મુજબનાં રેકોર્ડની ચકાસણી કરવામાં આવે અને આ ગેરકાયદેસર બાંધકામ સંબંધે ટીપી શાખા દ્વારા ભૂતકાળમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ હોય તે બધીજ વિગતો એકઠી કરી અત્યારની પરિસ્થિતિમાં તેમની જવાબદારી ફીકસ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
સુપ્રિમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં કુદરતી પાણીનાં વહેણને અવરોધો ઉભા થાય તે પ્રકારનું બાંધકામ કરવું નહીં અને જો બાંધકામ થયું હોય તો તે તાત્કાલીક અસરથી દૂર કરવું તેમ છતાં પણ રાજકોટ મ.ન.પા.ની ટી.પી શાખા દ્વારા આ વોકળાઓ ઉપરનાં બાંધકામોમાં આ ગાઈડ લાઈનનો શા માટે અમલ કરવામાં આવ્યો નહીં ? અને કઈ રીતે વોંકળા ઉપર બીલ્ડીંગોની બીલ્ડીંગો ઉભી થઈ ગઈ છે. તેની તપાસણી કરી કાર્યવાહી કરવામાં આવે.
આ વોંકળા ઉપર ખડકવામાં આવેલા બાંધકામોના સ્ટ્રક્ચરો વેરીફાઈ કરી જોખમકારક બાંધકામો તાત્કાલીક સીલ કરવામાં આવે તેમજ નામદાર સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ આ વોંકળા ઉ52 જેટલા પણ હૈયાત બાંધકામો ભૂતકાળમાં મંજુર કરેલ છે કે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ છે. તેવા બાંધકામોની પરવાનગીઓ રદ કરી દબાણો દૂર કરી પાણીના કુદરતી વહેણને તેની મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરવાની ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા, મયુરસિંહ પરમાર અને ભાવેશ રાજપુત દ્વારા કરાય છે.