પુરની સ્થિતિનાં કારણે વિલંબની શકયતા: આજે પ્રવેશ સમિતિની સંયુકત બેઠકમાં નિર્ણય
મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટે આજે ૧૪૦૦ સીટો માટેનું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તેની વચ્ચે પૂરની સ્થિતિને કારણે તેમાં વિલંબ થવાની શકયતા છે. આ અંગે ગાંધીનગરમાં પ્રવેશ સમિતિની સંયુકત બેઠક મળશે જેમાં પ્રવેશ અંગે નિર્ણય સતાવાર રીતે જાહેર કરવામાં આવશે તેમજ સરકારનો નિર્ણય જ આખરી ગણવામાં આવશે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટે આજે મેરિટલીસ્ટ જાહેર કર્યા બાદ આ સાથે જ મેડિકલ અને પેરા મેડિકલમાં પ્રવેશ માટેના તમામ કાર્યક્રમો જાહેર કરી દેવામાં આવશે. જો કે, ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કર્યા બાદ વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી કરવામાં આવે તો હાલની વરસાદ અને પુરની સ્થિતિમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન મેળવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જઇ શકશે કે નહી તે અંગે આજે મળનારી બેઠકમાં ખાસ ચર્ચા વિચારણા કરવમાં આવશે. આ ઉપરાંત પ્રવેશ સમિતિ દ્વારા હાલની સ્થિતિ અંગે સરકારને જાણ કરવામાં આવશે. સરકાર તરફથી જે કોઇ આદેશ કે સૂચના આપવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ દ્વારા ઓલ ઇન્ડિયા કવોટાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા રાજયમાં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માંગણી કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં પ્રવેશ સમિતિએ આજ રોજ મેડિકલ-પેરા મેડિકલ માટેનું મેરિટલીસ્ટ જાહેર કરી દેવા જણાવ્યું હતું. મેરિટની સાથે સાથે જ મોક રાઉન્ડ કયારથી શરૂ કરાશે તેની તમામ વિગતો પણ જાહેર કરવામાં આવશે. આજે મેરિટલીસ્ટ જાહેર થતાની સાથે જ દરેક વિદ્યાર્થીઓને એસએમએસ મારફતે મોકરાઉન્ડની સૂચના આપી દેવામાં આવશે. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે વિદ્યાર્થીઓની માંગણી પ્રમાણે ઓલ ઇન્ડિયા કવોટાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા રાજયનો પહેલો રાઉન્ડ પુરો કરી દેવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે મેરિટલીસ્ટ અને પ્રવેશનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવશે. પરંતુ હાલમાં રાજયના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે પુરની સ્થિતિ ઉભી થઇ છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પાણી ભરાયા છે. જયાં પુરની સ્થિતિ છે તેવા વિસ્તારોમાં લાઇટ છે કે નહી તેની પણ કોઇ જાણકારી નથી. આ સંજોગોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે અને વિદ્યાર્થીઓને મોકરાઉન્ડમાંભાગ લેવાની સૂચના આપવામાં આવે તો પણ વિદ્યાર્થીઓ કેવી રીતે પ્રક્રિયા કરી શકે તેનો પ્રશ્ન ઉભો થાય તેમ છે. સૂત્રો કહે છે આ તમામ વિચારણા કરવા માટે આજે પ્રવેશ સમિતિની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પુરની સ્થિતિ અને તમામ પાસાઓ અંગે વિચાર કરીને સરકારને જાણ કરવામાં આવશે.
મેડિકલ-પેરા મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા આજે મેરિટલીસ્ટ અને પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરી દેવાશે. મોક રાઉન્ડ પણ શરૂ કરી દેવામાં આવશે. પરંતુ હાલની પુરની સ્થિતિ અને આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહીની કારણે પરિસ્થિતિ વણસે તેવી શકયતાંઓ છે. પ્રવેશ સમિતિ દ્વારા આજે મળનારી બેઠકમાં આ અંગે વિચારણા કરીને સરકારને પરિસ્થિતિ અંગે જાણ કરાશે. જો સરકાર ઇચ્છે તો પ્રવેશ પ્રક્રિયાના કાર્યક્રમમાં સામાન્ય ફેરફાર પણ થાય તેવી શકયતાં છે.