- જો આવું થશે તો રાજકોટ લોકસભા બેઠક પર અમરેલીના બે પાટીદાર નેતાઓ વચ્ચે જામશે ચૂંટણી જંગ
- હિતેશ વોરા, લલીત કગથરા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને ડો.હેમાંગ વસાવડાના નામો પણ ચર્ચામાં
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. તેની સામે કોંગ્રેસ વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારે તેવી ચર્ચા હાલ જોર-શોરથી ચાલી રહી છે. આજે સાંજ અથવા આવતીકાલે રાજકોટ સહિતની કેટલીક બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે. જામનગર બેઠક માટે કોંગ્રેસ દ્વારા જે.પી.મારવિયાનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે. જો કે, હજુ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
જો રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપશે તો અમરેલીના બે કદાવર પાટીદાર નેતાઓ વચ્ચે લોકસભાની ચૂંટણીનો જંગ જામશે. કારણ કે પરષોત્તમભાઇ રૂપાલા પણ અમરેલી જિલ્લાના વતની છે. રાજકોટ બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે તેઓની પસંદગી કરાયા બાદ કોંગ્રેસે પોતાના તમામ સમિકરણોને બદલાવી નાંખ્યા છે. અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં રૂપાલાને પરાસ્ત કરી જાયન્ટ કિલર તરીકે ઉભરી આવેલા પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. છેલ્લા બે દિવસથી રાજકોટ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓના નામની જોર-શોરથી ચર્ચા થઇ રહી છે. છાના-ખૂણે હાઇકમાન્ડ દ્વારા કોંગ્રેસના જૂના જોગીઓ પાસે પણ આ અંગે મંતવ્ય લઇ લેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે.
આ ઉપરાંત કોંગ્રેસમાં રાજકોટ બેઠક માટે અન્ય ચાર નેતાઓના નામ પણ ચર્ચામાં છે. જેમાં હિતેશ વોરા, લલીત કગથરા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને ડો.હેમાંગ વસાવડાના નામો ચાલી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બે યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર લોકસભા બેઠક પર ભાજપના પૂનમબેન માડમ સામે કોંગ્રેસ દ્વારા જે.પી.મારવિયાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. તેઓને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે. સત્તાવાર ઘોષણા હજુ બાકી છે. ટૂંક સમયમાં ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરાશે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકો માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરશે.