સેન્સેક્સ 66985 પોઇન્ટ અને નિફટી 19811 પોઇન્ટના રેકોર્ડબ્રેક સ્તરે સ્પર્શ્યા : રોકાણકારો રાજી-રાજી
મજબૂત અર્થતંત્રને પગલે ભારતીય શેર બજાર રોજ બરોજ નવા વિક્રમો સર્જી રહ્યું છે. જેને પરિણામે આજે પણ શેરબજાર ઓલ ટાઈમ હાઈ રહ્યું છે.સેન્સેક્સ 66985 પોઇન્ટ અને નિફટી 19811 પોઇન્ટના રેકોર્ડબ્રેક સ્તરે સ્પર્શ્યા છે. જેને પરિણામે રોકાણકારો રાજી-રાજી થઈ ગયા છે.
શેરબજાર નો વિક્રમી તેજીનો દોર સતત આગળ વધી રહ્યો છે. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આઈટી કંપનીઓના પરિણામો બાદ હવે બેંકિંગ જાયન્ટ એચડીએફસી બેંકના પ્રોત્સાહક રિઝલ્ટ જાહેર થતાં બેંકિંગ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડો, સંસ્થાઓની રોકેટ તેજી સાથે ચોમાસાની સારી પ્રગતિના પગલે ભારતીય શેર બજારોમાં ઐતિહાસિક તેજી આગળ વધી હતી
મંગળવારે ખુલતાની સાથે જ શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 67 હજારની નજીક ખુલ્યો હતો, તો નિફ્ટી પણ લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 19,750ને પાર કરી ગયો હતો. આ જબરદસ્ત ઓપનિંગ સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આજે જે શેરબજારમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી તેમાં બેન્કિંગ સેક્ટર મોખરે હતું. એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ, આઇસીઆઇસીઆઇ બેન્ક, વિપ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર સવારે ઊંચું ખૂલ્યા હતા.
સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે અને 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય એનએસઇ નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેરોમાં વધારો અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્ક શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને બાકીના સેક્ટોરલ ઈન્ડેક્સ ફાસ્ટ ટ્રેક પર ટ્રેડ થઈ રહ્યા છે. ખાનગી બેંકોમાં મહત્તમ 0.80 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને બેંક નિફ્ટીમાં 0.78 ટકાનો ઉછાળો આવ્યો છે. ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.67 ટકા અને રિયલ્ટી શેર્સમાં 0.45 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
રોકાણકારોની સંપત્તિ 5 લાખ કરોડ વધી
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ અવિરત વિક્રમી સાથે ફંડો, મહારથીઓ, ઓપરેટરોએ શરોમાં સતત ખરીદી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૫.૦૭ લાખ કરોડ વધીને રૂ.૨૩૦૩.૫૯ લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું હતું.
વિદેશી રોકાણકારો ભારત તરફ ખેંચાઈ રહ્યા છે
વિદેશી રોકાણકારો પણ ભારતના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે. જેને કારણે વિદેશી રોકાણકારો સતત ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે. ઉપરાંત તાજેતરમાં પણ જાહેર થયું હતું કે અત્યારના સમયમાં વિશ્વમાં રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થળ ભારત છે.તેવામાં ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના વધુ પ્રમાણમાં ખેંચાવાથી શેરબજારમાં નવા પ્રાણ પુરાતા રહેશે.