કેન્દ્રમાં ફરી બહુમતિ સાથે ભાજપની સરકાર રચાશે તેવો વિશ્વાસ, વ્યકત કરાયો
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ગુરૂવારના રોજ સ્નહેમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્ને વારંવાર દેકારો મચાવતા કોંગી આગેવાનો પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમજ આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણ રીતે તૈયાર હોવાનુ઼ં અને કેન્દ્રમાં ફરી વાર પૂર્ણબહુમતીથી ભાજપની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા તારીખ ૨૨ નવેમ્બર ના રોજ વઢવાણ આનંદ ભુવન ખાતે સુરેન્દ્રનગર લોકસભા સીટના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ઼. જેમાં સૌ પ્રથમ સુરેન્દ્રનગર નગરપાલિકા કચેરીથી આનંદન ભુવન સુધી યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આનંદભુવનમાં સ્નેહમિલન સમારોહ તેમજ ૧૦ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ઼ હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતમાં યોજાયેલા આ સમારંભમાં ભાજપના આગેવાનોએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખેડૂતોના પ્રશ્નોને લઇ શર્ટ ઉતારી રેલી યોજી વિરોધ કરતા કોંગી આગેવાનો પર પ્રહારો કરતા જણાવ્યું કે બુશકોટ ઉતારી રેલીઓ કાઢવાથી ખેડૂતોના હિતચિંતક નથી બની જવાતું.
તેમજ કોંગ્રેસની સરકાર જે યોજનાઓ વિશે વિચારી પણ ન શકે તેવી યોજનાઓ ભાજપની કેન્દ્ર સરકારે અમલમાં મુકી બતાવી છે. તેમજ ભાજપને હરાવવા એકઠા થઇ રહેલા અન્ય પક્ષોના ગઠબંધનને પણ ઠગબંધન જણાવ્યું હતુ અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવતી વિવિધ યોજના એ સરકારની લોકો પ્રત્યેની સંવેદના હોવાનું જણાવ્યું હતું.
સાથે સાથે આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણ તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અને તેના માટે જાન્યુઆરી માસથી દરેક લોકસભા સીટ માટે વિસ્તારક યોજના અંતર્ગત વિસ્તારકો પોતાના વિસ્તારમાં ૫ દિવસ ફરી સરકારના વિકાસના કામો લોકો સુધી લઇ જશે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વિકાસના કામો કર્યા હોવાનું પણ જણાવ્યું હતું.
આ સંમેલનમાં ભીખુભાઇ દલસાણીયા, આઇ.કે.જાડેજા, દિલીપભાઇ પટેલ, ધનજીભાઇ પટેલ, વિપિનભાઇ ટોલિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિરેન્દ્ર આચાર્ય, મૃગેશ રાઠોડ સહિતનાઓએ પ્રયાસો કર્યા હતા.