- ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- કતારગામ દરવાજા થી હીરાબાગ સુધી રેલીનું આયોજન
- કતારગામ દરવાજા પોલીસ છાવણીમાં ફેરવાયું
- રત્નકલાકારોને ભાવમાં 30 ટકા વધારો આપવામાં આવે તેવી માંગ
- રાજ્ય સરકાર રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરવા તેમજ આર્થિક મદદ કરવા માંગ
ડાયમંડ સીટી સુરત શહેરમાં રત્નકલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામુહિક હડતાળની જાહેરાત કરી હતી. જેને પગલે કલેકટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી, પણ સરકાર તરફથી બાદમાં કોઇ નિર્ણય નહી લેવાતા રત્નકલાકારોએ હડતાળનો નિર્ણય લેવાયો છે. રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્નકલાકારોની રેલી યોજાશે.
હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક રત્નકલાકારોએ આર્થિક ભિસથી કંટાળી આપ-ઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યાં છે. ત્યારે રત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારોએ હડતાલ પાડી છે. આ સાથે કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની ‘રત્નકલાકાર એકતા રેલી’ કાઢવામાં આવી છે, જેમાં બહોળી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા છે.
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્નકલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારાની રજૂઆત કરવામાં આવી રહી હતી. ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. એક તરફ વર્ષોથી જે ફેક્ટરીના સંચાલકો છે, તેમણે ખૂબ કમાણી કરી છે. તેમજ તેની સામે રત્નકલાકારોના ભાગે કશું જ આવ્યું નથી, આ પ્રકારની વ્યથા અત્યારે રત્નકલાકારો વર્ણવી રહ્યા છે. આજે જ્યારે મંદીના માહોલ છે, ત્યારે ફેક્ટરીના સંચાલકો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી. અડધો પગાર કરી દેવામાં આવ્યો છે તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે, જેના કારણે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ થઈ ખરાબ થઈ રહી છે.
બે સપ્તાહ પહેલાં ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી રત્નકલાકારોના પગાર વધારા, હીરાના ભાવમાં વધારો કરવા અને રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી. ઉદ્યોગના રત્નકલાકારોના બાળકોને ફી ભરવા, મકાનના હપ્તા ભરવા, મકાનના ભાડા ભરવા, આર્થિક પેકેજની માગણી કરી હતી. આ ઉપરાંત બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને એવી માંગણી કરી હતી. છતાં સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય