આધારકાર્ડનાં ફોર્મ ભરવા માટે ટાઉટ રૂ.૨૫ થી ૫૦ પડાવતા હોવાની ફરિયાદ મળતાં ઉદય કાનગડ લાલઘુમ: મ્યુનિ.કમિશનરને યોગ્ય વ્યવસ્થા કરવા તાકિદ કરાઈ
મહાપાલિકા દ્વારા સ્માર્ટ ઘર આવાસ યોજના માટેનાં ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. ફોર્મ મેળવવા માટે આધારકાર્ડ ફરજીયાત હોવાનાં કારણે છેલ્લા ત્રણેક દિવસથી મહાપાલિકાની ત્રણેય ઝોન કચેરીમાં આધાર કેન્દ્રો પર લોકોની લાંબી-લાંબી કતારો જોવા મળે છે. આધારનાં ફોર્મ ભરવા માટે ટાઉટ રૂ.૨૫ થી ૫૦ પડાવતા હોવાની ફરિયાદ મળતાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ ઉકળી ઉઠયા છે. તેઓએ લોકોની હાલાકી તાત્કાલિક દુર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને ડીએમસી ચેતન નંદાણીને ટેલીફોન પર કડક સુચના આપી દીધી છે.
હાલ આવાસ યોજનાનાં ફોર્મ ભરવા માટે આધારકાર્ડ આવશ્યક હોવાનાં કારણે અરજદારો આધારમાં સુધારા-વધારા કરવા કે નવું કાર્ડ કઢાવવા માટે કોર્પોરેશનની કચેરીએ આવી રહ્યા છે. સામાન્ય દિવસો કરતાં થોડુ ટ્રાફિક વધુ દેખાઈ રહ્યું છે. અરજદારોને આધારનું ફોર્મ ભરતાં આવડતું ન હોય જેનો લાભ ટાઉટ લઈ રહ્યા છે અને ફોર્મ ભરવા માટે રૂ.૨૫ થી ૫૦ વસુલતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ સુધી પહોંચી હતી. દરમિયાન ચેરમેને તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને ફોન કરી આધારકાર્ડ માટે લોકોને પડતી હાલાકી તાત્કાલિક અસરથી દુર કરવા કડક આદેશ આપી દીધો છે. જરૂર પડે તો તમામ સેન્ટરો પર કોર્પોરેશનનાં માણસો બેસાડી દેવા પણ સુચના આપી દેવામાં આવી છે. હાલ કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરી ખાતે આધારની કામગીરી ચાલી રહી છે. જેમાં દૈનિક ૫૨૫ થી ૫૫૦ જેટલી અરજીઓ આવે છે. આવાસનાં ફોર્મ વિતરણ શરૂ કરાતા અરજદારોની સંખ્યામાં પણ વધારો થયો છે.