પડતર પ્રશ્ર્નોને લઈને જિલ્લાના 600થી વધુ નાયબ મામલતદારો, ક્લાર્ક અને તલાટીઓ માસ સીએલ ઉપર ઉતર્યા

પડતર પ્રશ્નોને લઈને મહેસુલી કર્મચારીઓએ આજે હડતાલ પાડી હતી. જિલ્લાના 600થી વધુ નાયબ મામલતદારો, ક્લાર્ક અને તલાટીઓ માસ સીએલ ઉતરતા કચેરીઓના કામકાજ ઠપ્પ થઈ ગયા હતા અને અરજદારોને ધક્કા થયા હતા.

મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા કર્મચારીઓએ સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગમ્યું છે ત્યારે આંદોલનના ભાગરૂપે આજે રાજકોટ સહિત રાજ્યભરના અંદાજે 5000થી વધુ મહેસુલી કર્મચારીઓ માસ સી એલ પર ઉતર્યા છે. જેમાં રાજકોટ કલેકટર કચેરી, તમામ પ્રાંત કચેરીઓ અને જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા 600થી વધુ નાયબ મામલતદારો, ક્લાર્ક અને તલાટીઓ પણ જોડાયા હતા.

જેને પગલે કર્મચારીઓ વગર કચેરીઓ સૂમસામ બની હતી અને તમામ સરકારી કામો ઠપ્પ થઈ ગયા હતા. મહેસુલી કર્મચારીઓને જૂની પેન્શન યોજના ફિક્સ પગાર યોજના 2012ની બેચના નાયબ મામલતદારોની સિનિયોરીટી ક્લાર્કમાંથી નાયબ મામલતદાર અને નાયબ મામલતદારમાંથી મામલતદાર તરીકે પ્રમોશન આપવા સહિતના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો ન હોવાથી રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા સરકાર સામે મોરચો માંડ્યો છે.  ત્યારે રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ પણ તેમની સાથે જોડાયું છે અને આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે.

રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું કે મહેસુલી કર્મચારીઓની પડતર માગણીઓ લાંબા સમયથી સ્વીકારવામાં આવી નથી. જેને પગલે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા માસ સીએલનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વિરોધ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ પણ જોડાયું છે. જિલ્લાના તમામ નાયબ મામલતદારો, ક્લાર્ક અને રેવન્યુ તલાટીઓ આજે સીએલ પર ઉતર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.