૧૪૯ જેટલા તબીબો સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે અડીખમ
આજે બીજા દિવસે પણ જૂનાગઢ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે કામગીરીથી અલિપ્ત રહ્યા હતા એકી સાથે ૧૪૯ જેટલા ઇન્ટરન તબીબો હડતાલ પર ઉતરી જતા, જૂનાગઢની હોસ્પિટલની અમુક કામગીરી ખોરંભાઈ હતી. જોકે તંત્ર દ્વારા આ અંગેની અગાઉથી જ વ્યવસ્થા કરી લેવામાં આવી હતી.
ગઈકાલથી જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલના ૧૪૯ જેટલા તબીબો સ્તાઈપેન્ડ વધારા સહિતના મુદ્દે કામગીરીથી અળગા રહ્યા હતા અને જ્યા સુધી તેમની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું રાખશે તેવો નિર્ણય જાહેર કરી આજે બીજા દિવસે પણ પોતાની કામગીરીથી અળગા રહ્યા છે. જુનાગઢ જી.એમ.ઇ. આર. એસ કોલેજના ઇન્ટર્ન તબીબ ડો શ્યામ રેડ્ડીના જણાવ્યા અનુસાર ગત તારીખ ૧૨ ના રોજ જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન મારફતે રાજ્યના આરોગ્ય મંત્રી તથા આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેમાં અમે માગણી કરી હતી કે, ગત એપ્રિલ માસથી અમે મેડિકલ કોલેજની સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં કોવિડ ૧૯ ડેડીકેટેડ સેન્ટર ખાતે પુરી ખંત અને નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છીએ, જે દરમિયાન અમારા ૧૦૦ જેટલા તબીબો કોરોના ગ્રસ્ત પણ થયા હતા. છતાં કોવીડ સેન્ટરમાં જે બીજા રાજ્યો અને ગુજરાત સરકારના તબીબી છાત્રોને કોવીડ સહાયકના કરાયેલા પરિપત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોવીડ ફરજ બજાવતા તબીબી છાત્રને મળતી રકમ કરતાં અમોને ઘણું ઓછું એટલે કે માત્ર રૂ. ૧૩૦૦૦ જ સ્ટાઇપેંડ અપાય છે.આથી અમે આવેદનપત્રમાં રૂ. ૧૩૦૦૦ ના બદલે રૂપિયા ૨૦,૦૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે તેવી માગણી કરી હતી, પરંતુ અમારી અલ્ટીમેટમની મુદત પૂરી થવા છતાં સરકાર કે આરોગ્ય તંત્ર દ્વારા કોઈ યોગ્ય પરિણામ ન આવતા ગઈકાલેથી અમો હડતાલ શરૂ કરેલ છે, અને અમારી ફરજથી અળગા રહીશું.