રાજય સરકારે ૧૫મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય કરતા રાજકોટ માર્કેટયાર્ડનું કમિશન એજન્ટ એસોસીએશન મેદાને: ટેકાના ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

ચાલુ વર્ષે નબળા વર્ષના કારણે મગફળી, કપાસ સહિતના પાકોની ઉપજ ઓછી થવાની સંભાવના વ્યકત થઈ રહી છે ત્યારે ખેડુતોને પોષણક્ષમ ભાવ આપવા માટે તાજેતરમાં કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે. મગફળીમાં પણ ગત વર્ષ કરતા વધારો કરીને મણે ૧૦૦૦ રૂપીયાના ટેકાના ભાવે આગામી તા.૧૫મીએ રાજય સરકારે ખરીદી કરવાની જાહેરાત કરી છે.

સરકારની આ જાહેરાત સામે રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસીએશને વિરોધનું બણગું ફુંકયું છે. આ એસોસીએશનના આગેવાનોએ ટેકાના ભાવે ખરીદીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા ભાવાંતર યોજના લાગુ પાડીને ખેડુતોને સીધો લાભ આપવાની માંગ કરી હતી. આ માંગ તુરંત સંતોષાઈ તો ૧લી નવેમ્બરથી હડતાલ પર જવાની ચીમકી આપી છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દશેરા બાદ મગફળીની આવકનો પ્રારંભ થયો છે ત્યારે રાજય સરકારે ૧લી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરનારી છે ત્યારે ખેડુતોએ અત્યાર સુધીમાં ૪૦ ટકા જેટલી મગફળી વેચી નાખી હોય અને આગામી ૧૫ દિવસમાં હજુ ૨૦ ટકા જેટલી મગફળી ખેડુતો નાખે તેવી સંભાવના જોવાઈ રહી છે.

ત્યારે આ ૧લી નવેમ્બરથી શરૂ થનારી ટેકાના ભાવે ખરીદીનો લાભ માત્ર ૪૦ ટકા જેટલા ખેડુતોને મળશે તેવો આક્ષેપ કરીને માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ કરીને ભાવાંતર યોજના લાગુ પાડીને મગફળી વેંચી નાખનારા ખેડુતોને તેનો લાભ આપવા માંગ કરી હતી.

ટેકાના ભાવે થતી ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોય સરકારે ભાવાંતર યોજના લાગુ પાડવી જોઈએ તેવી માંગ કરીને એસોસીએશનના આગેવાનોએ આ યોજના તુરંત લાગુ નહીં પાડવામાં આવે તો સમગ્ર રાજયના યાર્ડના વેપારીઓને સંગઠીત કરીને ખેડુતોના હિતમાં ૧લી નવેમ્બરથી હડતાલ પર જવાની ચીમકી આપી હતી.

જોકે રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, ભાવાંતર યોજનામાં પણ ગેરરીતિ થવાની શકયતા છે. જેથી આ વર્ષથી રાજય સરકારે સીધી ખરીદી કરવાનો કરેલો નિર્ણય યોગ્ય છે. આ માટે એસીબી, પોલીસ, વેરહાઉસ અને નાયબ મામલતદારની બનેલી ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા થનારા ચેકિંગથી ગેરરીતિ અટકાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.