કોમર્શીયલ વિસ્તારોમાં ગાર્બેજ કલેકશન માટે સવાર અને સાંજ
એમ બે વાર ટીપરવાન જશે, લીટર બીનમાં પ્લાસ્ટીક સળગાવનાર
સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે: ઉદિત અગ્રવાલ
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦માં રાજકોટ શહેરનો દેશમાં છઠ્ઠો ક્રમાંક આવ્યો છે. રાજકોટને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે કોર્પોરેશન દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. હાલ શહેરમાં સફાઈ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શહેરના કોમર્શીયલ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ડીએમસી આર.આર.સિંહ રેગ્યુલર ચેકિંગમાં નીકળી રહ્યાં છે. દરમિયાન કોમર્શીયલ એરીયામાં ગાર્બેજ કલેકશન માટે સવાર અને સાંજ એમ બે વખત ટીપરવાન મોકલવામાં આવી રહી છે. છતાં જો હવે મુખ્ય બજારોમાં દુકાનો પાસે કચરો દેખાશે તો વેપારીઓ પાસેથી આકરો દંડ વસુલ કરવામાં આવશે. તેમ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાપાલિકા દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. શહેરના મોટાભાગના કોમર્શીયલ વિસ્તારોમાં સવારે અને સાંજે એમ બે ટાઈમ ગાર્બેજ કલેકશન માટે ટીપર વાન મોકલવામાં આવી રહી છે. છતાં જો કોમર્શીયલ વિસ્તારોમાં દુકાનો પાસે ગંદકી નજરે પડશે કે કચરાના ઢગલા પડ્યાનું દેખાશે તો વેપારીઓ પાસેથી આકરો દંડ વસુલ કરવામાં આવશે. ટીપરવાન સીવાય જાહેરમાં કચરો ન ફેંકવા વેપારીઓને તેઓએ અપીલ કરી છે. શહેરના અલગ અલગ રાજમાર્ગો પર બે ટ્વીન ડસ્ટબીન લીટર બીન મુકવામાં આવી છે. જેમાં ટીપરવાન દ્વારા કલેકટ કરવામાં આવતો ગાર્બેજનો કચરો નજરે પડશે કે કોઈ વ્યક્તિ નાખતો હોય તેવું પકડાશે તો તેની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે. લીટર બીન સળગતી હોવાની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સતત વધી રહી છે. આવામાં લીટર બીનમાં પ્લાસ્ટીક સળગાવનાર સામે હવે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. હાલ શહેરમાં રાત્રી કફર્યુ અમલમાં હોવાના કારણે મુખ્ય બજારોમાં સવાર ઉપરાંત સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ગાર્બેજ કલેકશન માટે ટીપરવાન મોકલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પહેલા કોમર્શીયલ વિસ્તારમાં બે વખત ટીપરવાન મોકલવામાં આવતી હતી. ફરીથી આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો કોઈ વેપારી દુકાનમાંથી નીકળતો કચરો ટીપર વાનને બદલે જાહેરમાં ફેંકશે તો તેની સામે આકરી કાર્યવાહી કરી દંડ વસુલ કરવામાં આવશે તેવી ચિમકી મ્યુનિ. કમિશનર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.