મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નડિયાદ તાલુકાના આખડોલ અને પીપળાતા ગામના તળાવોની ઉંડાઈ વધારવાના કામનો પ્રારંભ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે વર્તમાન મે મહિનામાં જ શહેરો અને નગરોના લોકો વપરાશના મલીન જળના શુધ્ધિકરણ અને પુર્ન ઉપયોગની નિતી જાહેર કરવામાં આવશે. નદી અને જળસ્ત્રોતોના કિંમતી પાણીને બગાડનારાઓ અને પ્રદુષિત કરનારાઓ સામેની પોલીસીના માધ્યમથી કાયદા પ્રમાણે કડક પગલાં લેવાની સાથે જળસ્ત્રોતના પાણીની સ્વચ્છતા જાળવવાની વ્યુહરચના ઘડી કાઢવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. સુજલામ સુફલામ જળસંચય અભિયાન એ વ્યાપક માનવતાનું કામ છે અને તેનો પાણી દ્વારા વિકાસને વેગ આપવાના અભિયાન તરીકે નોંધ લેવાશે. એવો વિશ્ર્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. તેમણે ગુજરાતના ગૌરવ સમાન ખેડા જિલ્લા જળસંચય અભિયાનને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં આવું રાજયવ્યાપી જળસંચય અભિયાન શરૂ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજય છે.
મુખ્યમંત્રીશ્રીએ ખેડા જિલ્લાના જળસંચય અભિયાનના ભાગરૂપે નડિયાદ તાલુકાના આખડોલ અને પીપળાતા ગામે ગામ તળાવોની ઉંડાઇ વધારવાના કામોનો પ્રારંભ કરાવ્યો હતો. આ પૈકી આખડોલ તળાવના કામની જવાબદારી ઉપાડી લઇને સુવિખ્યાત ધર્મસંસ્થા શ્રી સંતરામ મંદિરે પ્રેરણાપ્રદ દાખલો બેસાડયો છે. મુખ્યમંત્રીશ્રીએ તકતીના અનાવરણ દ્વારા આખડોલ ગામે રૂા.૩.૨૫ કરોડના ખર્ચે બંધાનારા સરકારી આરોગ્ય કેન્દ્રના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક શ્રી પંકજભાઇ દેસાઇ તથા સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણએ બાંધકામના સ્થળે ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પીપળાતા તળાવના કામના મનરેગાના શ્રમિકો સાથે સૌજન્યપૂર્વક વાતચીત કરવાની સાથે સુખડીનું વિતરણ કર્યુ હતું તથા શ્રમિકોને નિયમોનુસાર મજૂરી અને સુવિધાઓ આપવાનું ખાસ કાળજી લેવા અધિકારીઓને સુચના આપી હતી.
તેમણે સ્થળ ઉપર ઉપસ્થિત વિવિધ ધર્મસંસ્થાનોના સંતોનું આદર પૂર્વક અભિવાદન- વંદના કરી હતી.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જળસંચય અભિયાનમાં સહયોગ રૂપે ૫.૫૫ લાખની સખાવત મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવી હતી. પક્ષના કાર્યકરોએ શ્રમિકો સાથે તળાવના કામમાં શ્રમદાન કર્યુ હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com