- તમામ જિલ્લા અને મહાનગરોમાં કરાયો આદેશ: પ્રદેશ મીડીયા વિભાગનો પરિપત્ર
કેસરિયો ખેસ ધારણ કરી ભારે ઉત્સાહમાં આવી વિવિધ ટીવી ચેનલોની ચુંટણી લક્ષી ડિબેટમાં ભાગ લેતા ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો માટે પ્રદેશ ભાજપ મીડીયા વિભાગ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં એવી તાકીદ કરવામાં આવી છે કે ચુંટણી લક્ષી ડિબેટમાં ભાગ લેવો નહી.
લોકસભાની આગામી ચુંટણીમાં દેશભરમાં ભાજપ માટે ખુબ જ સાનુકુળ વાતાવરણ છે. ગુજરાતની તમામ ર6 બેઠકો સતત ત્રીજી વખત ફતેહ કરવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ નથી. દરયિમાન અતિ ઉત્સાહમાં આવી ભાજપના નેતાઓ અને કાર્યકરો ટીવી ચેનલોમાં થતી ચુંટણી લક્ષી ડિબેટમાં કંઇ વિવાદાસ્પદ નિવેદન આપે તો તેની નુકશાની પક્ષે વેઠવી પડે આવો કોઇ પ્રશ્ર્ન ન ઉદભવે તે માટે પ્રદેશ ભાજપના મીડીયા ક્ધવીનર યજ્ઞેશ દવે દ્વારા ગઇકાલે એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં લોકસભાની આગામી ચુંટણીમાં વિવિધ ટીવી ચેનલો દ્વારા ચોરા, ચોપાલ અથવા ભીડ એકઠી કરી ચુંટણી લક્ષી કોઇપણ કાર્યક્રમો યોજવામાં આવે તો તેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ચુંટણી ડિબેટના કાર્યક્રમોમાં સીધો ભાગ ન લેવા તાકીદ કરવામાં આવી છે. આ અંગે લોકસભાના કલસર પ્રભારી અને સંયોજક, લોકસભા સીટના પ્રભારી અને સંયોજક, વિધાનસભા બેઠકના પ્રભારી અને સંયોજક જિલ્લા અને મહાનગરોના પ્રમુખ તથા મહામંત્રી, પ્રદેશ પ્રવકતા – સહ પ્રવકતા, ઝોન પ્રવકતા, સહ પ્રવકતાને જાણ કરી દેવામાં આવી છે.
લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપ ખુબ જ ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. દેશભરમાં વાતાવરણ ખુબ સારું છે. રામ મંદિરના નિર્માણ બાદ ભાજપ તરફી માહોલ છે સીએએની અમલવારીથી પક્ષની સ્થિતિ વધુ મજબુત બની છે. આવામાં ચૂંટણી ડિબેટમાં અવળા-સવળા વેણ પક્ષને નુકશાની ન પહોચાડે તે માટે કાર્યકરોના મોઢે તાળા લગાડી દેવામાં આવ્યા છે.