હાઈકોર્ટના આદેશ બાદ રાજયની અદાલતોમાં વર્ચ્યુઅલ કામગીરી: વકીલોમાં અસંતોષ

 

અબતક,રાજકોટ

કોરોનાની ત્રીજી લહેરમાં સાવચેતીના ભાગ રૂપે હાઇકોર્ટની એસઓપી મુજબ રાજકોટની કોર્ટમાં કામગીરી કરાવવાનું શરૂ કરી દેવાયુ છે. કોર્ટ પરિસરમાં માર્ગદર્શિકાનો કડક અમલ થઈ રહ્યો છે.ગઈકાલે નિયમ અમલવારીના પ્રથમ દિવસે વકીલોને કોર્ટના પરિસરમાં પ્રવેશ ન અપાતા ધારાશાસ્ત્રીઓમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ હાઇકોર્ટની ગાઈડલાઈન હોવાના કારણે પક્ષકારો – વકીલો તેમજ બહારની અન્ય કોઈ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશબંધીના નિયમનો કડક અમલ આજે પણ જોવા મળ્યો. ફરજ પર હાજર રહેતા અદાલતના અધિકારીઓ – કર્મચારીઓને પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે. બાકી કોર્ટની કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી છે. અમુક કિસ્સામાં હાઇકોર્ટે માર્ગદર્શિકામાં જે પ્રમાણે છૂટછાટ આપી છે. તે મુજબ પણ વ્યવસ્થા કરાઈ છે. કોર્ટમાં સિવિલ કોર્ટના ચર્ચ તરફના ગેઇટમાં નવા કેસો, પિટિશનો, અરજીઓ દાખલ કરવા ખાસ વ્યવસ્થા કરાઈ છે, અહીં અરજીઓ કરી શકાય છે અને ખરી નકલ પણ મેળવી શકાય છે. એક કર્મચારી અહીં હાજર રહી સતત કામગીરી સાંભળી રહ્યા છે.  આ તરફ ગાઈડલાઈન મુજબ માત્ર રિમાન્ડ મેળવવાની કાર્યવાહી વખતે પ્રથમવાર જ આરોપીની પ્રત્યક્ષ હાજરીને છૂટ અપાઈ છે. આ સિવાય અકસ્માત કેસ કે અન્ય કેસોમાં વળતર મેળવવા પક્ષકારોને ઉપસ્થિત રહેવા રાહત અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.