- શાળામાં ભણતા ધો. 05 અને ધો.08માં વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ ગણાશે: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
- નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે.
- જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચૂસ્ત પણે પાલન થઈ રહ્યો છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ 5 અને ધોરણ 8 માં કોઇ વિદ્યાર્થી 2 વિષયમાં 35% ક૨તા ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારીના કારણે શૈક્ષણિક વર્ષ-2019-20, વર્ષ- 2020-21 અને વર્ષ 2021-22 માં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23 માં પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-5 અને ધો૨ણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં અસફળ થશે તો તેમણે નાપાસ જાહેર કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, ધો. 05 અને ધો.08 ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે; સાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 અન્વયે આ નિર્ણયના અમલીકરણથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાની તક મળશે, જેથી વિદ્યાર્થીઓનો ભવિષ્ય ઊજળું બનશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.