ઓરેન્જ કોવિડ હોસ્પિટલને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારાયા બાદ નોટિસ આપવાનો આદેશ આપતા કમિશનર
રાજકોટમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. દિન-પ્રતિદિન સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. આવામાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોવિડ હોસ્પિટલોને પણ મંજૂરી આપવામાં આવી રહી છે. અત્યંત ચેપી એવા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ કોવિડ હોસ્પિટલો જ જાણે બેદરકારી દાખવતી હોય તેવું લાગી રહ્યું છે. જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ નકાલ કરવા બદલ રજપૂતપરામાં ઓરેન્જ કોવિડ હોસ્પિટલને રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન હવે જો કોઈ કોવિડ હોસ્પિટલ મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરશે તો તેની સામે સીલીંગ સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
રજપૂતપરામાં આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા પીપીઈ કીટ સહિતનો બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા ગઈકાલે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલને રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન આજે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે આરોગ્ય શાખાને એવી તાકીદ કરી છે કે, ઓરેન્જ કોવિડ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવે છે. ભવિષ્યમાં આવી ગુનાઈત પ્રવૃતિ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડ્યે હોસ્પિટલ સીલ કરવામાં પણ આવશે.