પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,ભાવનગર દ્વારા વાહન આર.ટી.ઓ. ડી.એચ.યાદવના માર્ગદર્શન હેઠળ અલંગ ખાતે માલ સામાનનું જોખમી તેમજ ઓવરલોડેડ પરિવહન કરતાં વિવિધ પ્રકારના ૧૧ વાહનો ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતાં સહાયક મોટર વાહન નિરીક્ષક નિકુંજ ગૌસ્વામીએ જણાવ્યું છે કે અલંગ ખાતે ટ્રેકટર, ટ્રેઈલર, ટ્રક વગેરે જેવા વાહનો પોતાની વાહક ક્ષમતા કરતાં વધુ માત્રામાં માલ ભરી પરિવહન કરતાં હોવાનું તેમજ સ્ક્રેપનો માલ વાહનની બહાર રહે તેમ જોખમી રીતે ભરતાં હોવાનું કચેરીના ધ્યાને આવ્યું હતું.જે અંતર્ગત આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ ત્રણ ટીમોનું ગઠન કરી અલંગ ખાતે વિવિધ સ્થળોએ જોખમી તેમજ ઓવેરલોડેડ વાહનોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર નિરીક્ષક ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે જોખમકારક રૂપે માલ પરિવહન કરતાં વાહનો બાબતે આર.ટી.ઓ. તંત્ર ખૂબ ગંભીર છે.વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં પણ આ પ્રકારે વાહન ચકાસણી શરૂ રહેશે તેમજ
મોટર વાહન ટેક્સ ભર્યા વગર ફરતા વાહનો, ઓવેરલોડેડ કે જોખમકારક રીતે માલ પરિવહન કરતા વાહનો વિરુદ્ધ માર્ગ સલામતીના ગુન્હા સબબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે