- પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં DJ નાઈટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે
- કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આપી સૂચના
- પોલીસે રાજ્યભરમાં ઇવેન્ટ આયોજકો સાથે પણ ખાસ બેઠક યોજી જરૂરી તકેદારી અંગે સૂચનાઓ આપી
31 મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં પોતાના જિલ્લામાં જાહેર માર્ગો તેમજ એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર બ્રીથ એનેલાઇઝર સાથે સઘન ચેકીંગ કરવા ઉપરાંત તમામ ડીજે નાઇટ ઇવેન્ટ સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા અંગે સમજ આપવા સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં ડી.જે નાઈટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડાની સૂચના અનુસંધાને રાજ્યના તમામ શહેર/જિલ્લાઓમાં હોટેલ/ગેસ્ટ હાઉસ/ફાર્મ હાઉસ/પાર્ટી પ્લોટના માલિકો સાથે શહેર/જિલ્લાના પોલીસ અમલદારોએ બેઠક કરી છે. જેમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે કે, પોતાની ઇવેન્ટ પ્લેસ ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવશે કે ચેકીંગ દરમિયાન કોઈપણ પ્રકારની પ્રોહિબિશન તથા નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવશે તો સંચાલક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરવાનગી વિના કોઈ પણ સંચાલક ન્યુ યર અનુસંધાને મ્યુજીકલ નાઈટ અથવા ઈવેન્ટ/પરફોર્મન્સનું આયોજન કરી શકશે નહિ. સલામતીના કારણોસર સંચાલકો પાસેથી એ માહિતી પણ લેવામાં આવી છે કે, કાર્યક્રમમાં અંદાજીત કેટલા વ્યક્તિઓ એકત્ર થઇ શકે એમ છે.
તમામ પોલીસ કમિશનર તથા પોલીસ અધીક્ષકઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પ્રોહીબીશન તથા નાર્કોટીક્સ અંગે કડક ચેકિંગ તથા ટ્રાફીકની વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે માટે એક્શન પ્લાન બનાવી દીધા છે.