એક વેપારીએ તો હદ વટાવી, પોતાની પાસે અઢળક માલ પડ્યો હોવાથી પોલીસ પ્રોટેકશન માંગ્યુ !!
જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં અત્યારે લોક ડાઉનનાં આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પાન, બીડી, સિગારેટની દુકાનો બંધ રહેતા તમાકુને બીડીના બંધાણીઓ માટે ભયંકર દુ:ખના દિવસો ચાલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે દુકાનો બંધ હોવાથી પાન બીડી અને ખાસ કરીને માવાની તલપ ધરાવતા લોકોની ગરજ પારખીને જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નકલી તમાકુ, મસાલા, બીડી અને તમાકુની પદાર્થોના કાળા બજાર થતાં હોવાની લોક ચર્ચા અંગે ‘અબતક’ દૈનિક એ પ્રસિદ્ધ કરેલા અહેવાલોને પગલે જુનાગઢ દક્ષિણ રેન્જમાં તમાકુના કાળાબજાર અને નકલી માલ વેચાણ સામે આકરી કાર્યવાહીના આદેશો મળ્યા છે અને હાલના સ્ટોકની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા વિસ્તારમાં પાન, બિડી, ધંધાર્થીઓ અને કેટલીક બદનામ પેઢીઓમાં નકલી બનાવટો અને સ્ટોક અંગેની તપાસ હાથ ધરી હોવાનું અને જૂનાગઢમાં આ કામગીરી એલ.સી.બી. દ્વારા ચલાવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જુનાગઢના એક હોલસેલ વેપારીએ પોતાની પેઢીમાં પડેલો માલ અને પોતાની સલામતી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરીને લોક ડાઉન દરમિયાન બંધ રહેલા પાનના ગલ્લાઓના કારણે પોતાની પેઢી અને પોતા પર હુમલાનું જોખમ હોવાની રજૂઆત પોલીસમાં કરીને રક્ષણની માગણી કરી હતી, તો જૂનાગઢના એક જથ્થાબંધ વેપારી મોટી રકમના તમાકુ બનાવટનો માલ લોક ડાઉન સમયમાં લઈને નીકળતા તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે.
બીજીબાજુ જુનાગઢ દક્ષિણ રેન્જમાં આવતા જિલ્લાઓમાં પોલીસ દ્વારા તમાકુના ધંધાર્થીઓ અને કેટલાક પંકાયેલી દુકાનોના વેપારીઓ પાસેથી સ્ટોક અંગેની વિગતો માંગવામાં આવી છે. પોલીસ દ્વારા આવી વિગતો માંગતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે, તો તમાકુની બનાવટની અસલ નકલનો ધંધો કરતા અને કાળાબજારમાં ફદિયાં કમાવા નીકળી પડેલા ઓમાં લખલખું ફેલાય ગયું છે.
લોકોને કોઇપણ ભોગે પાન માવા જોઈએ છે ત્યારે બજારમાં ભારે માંગ ઊભી થઈ છે, તેનો ગેરલાભ લઇને કેટલાક તત્વો નકલી તમાકુને બીડીનો માલ બજારમાં ઘાલીને ચાર-પાંચ ગણી વધુ કિંમતે માલ વેચી રહ્યા છે.સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નકલી પાન, બીડી અને તમાકુની પેદાશોની કાળાબજાર અને ગેરરીતિને વ્યાપક ફરિયાદો વચ્ચે પોલીસે જે કામ અન્ય વિભાગો જે કરવું જોઈએ તે કામ હાથમાં લઈને પાન, માવાના ધંધાર્થીઓની પેઢીઓ પર સ્ટોકની ગણતરી શરૂ કરી છે.