- 285 શખ્સો નો સર્વે કરાયો
- શહેરમાંથી 46 ટપોરીઓને ઉપાડી લઈ એલસીબીની કચેરીએ એસ.પી. દ્વારા આગવી ઢબે પૂછપરછ કરાઇ
- શહેર તથા આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણો પણ દૂર કરાશે
ગુજરાત રાજ્યના પોલીસ મહા નિર્દેશકના આદેશ અનુસાર જામનગર શહેર- જિલ્લામાં વસવાટ કરતા અ-સામાજિક તત્વો ને શોધી કાઢી તેઓ સામે કડક હાથે કામ લેવાનો આદેશ કરાયો છે, જેના ભાગરૂપે છેલ્લા બે દિવસથી સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર ઊંધા માથે થયું છે. જિલ્લા પોલીસ વડા સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે. એસ.પી. પ્રેમસુખ ડેલુ ની આગેવાનીમાં શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા તેમજ ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર. બી. દેવધાની રાહબરીમાં સમગ્ર કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
છેલ્લા બે દિવસ દરમિયાનમાં શહેર અને જિલ્લામાં વસવાટ કરતા કુલ 285 અસામાજિક તત્વોને આઈડેન્ટીફાઇ કરાયા છે. તેઓની આગળ પાછળની તમામ હિસ્ટ્રી એકત્ર કરી લેવામાં આવી છે, અને તેનું સંપૂર્ણ સર્વે કરી અને તમામ તત્વોની બાયોગ્રાફી તૈયાર કરી લેવામાં આવી છે. જેનો એસ.પી. પ્રેમસુખ ડેલુ અભ્યાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરીગીરી કરતા તત્વોને પણ શોધી કાઢવા માટેની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને તેના માટે એલસીબીના પી.આઈ. વી.એમ.લગારીયા અને તેઓની સમગ્ર ટીમ તથા અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઈ હતી, જેના ભાગરૂપે માત્ર ૨૪ કલાકમાં જ શહેરમાંથી કુલ 46 ટપોરીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા, અને તમામને એલસીબી ની કચેરી સમક્ષ હાજર કરાવાયા હતા.
જયાં આજે બપોરે ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા, અને તમામ ટપોરીઓની આગવી ઢબે પૂછપરછ કરી હતી. ઉપરાંત આકરા શબ્દોમાં કેટલીક જરૂરી સુચનાઓ પણ આપી દેવામાં આવી છે. શહેરમાં કોઈપણ ટપોરીગીરી કરતા જોવા મળશે, તો આવા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે, તેમ એસપીએ જણાવ્યું હતું.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદે રીતે સરકારી જમીનમાં દબાણ કર્યું હશે, અથવા તો અન્ય કોઈ વ્યક્તિની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી લીધી હશે, આવા તમામ દબાણોને દૂર કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે.
તે માટેનો પણ ખાસ એક્શન પ્લાન આજે એલસીબીની કચેરીમાં જ ઘડી કાઢવા આવ્યો હતો. જેની નજીકના ભવિષ્યમાં જ અમલવારી કરવામાં આવશે.
અહેવાલ: સાગર સંઘાણી