Abtak Media Google News
  • સ્ટેટ મોનીટરીંગ સેલની તાકાત વધારવા વધુ 4 પીઆઈ અને 9 પીએસઆઈની પસંદગી
  • રાજ્યના કોઈ પણ છેડે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ કે ગોરખધંધા પર તૂટી પડવાની વિશાળ સત્તા ધરાવતી સ્ટેટ મોનીટરીંગ સેલની તાકાતમાં વધારો કરવા માટે વધુ 4 પીઆઈ અને 9 પીએસઆઈની એસએમસીમાં નિમણુંક કરવામાં આવી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય આખામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર દરોડો પાડવાની સતા ધરાવતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમની તાકાતમાં વધારો કરવા સમાન નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે સ્ટેટ મોનીટરીંગ સેલમાં અધિકારીઓની છબી – પ્રદર્શન સહીતની બાબતોને ધ્યાને રાખીને નિમણુંક આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ પણ સતત અધિકારીની કામગીરી સહીતની બાબતોને ધ્યાને લેવામાં આવતી હોય છે. નબળું પ્રદર્શન કરનારા અધિકારીઓને તાત્કાલિક અસરથી પરત મૂળ મહેકમમાં મોકલી દેવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યના 4 પીઆઈ અને 9 પીએસઆઈની હાલ સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુંક કરવામાં આવી છે.

એસએમસીમાં નિમણુંક પામેલા અધિકારીઓની જો વાત કરવામાં આવે તો ચાર બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરમાં વડોદરા શહેરમાં ફરજ બજાવતા પીઆઈ એચ એમ વ્યાસ, બનાસકાંઠામાં ફરજ બજાવી રહેલા જી આર રબારી અને એસ એમ પટણી અને હાલ સીઆઈડી ક્રાઇમના પીઆઈ એ વાય બ્લોચની એસએમસીમાં નિયુક્તિ કરવામાં આવી છે.

ઉપરાંત 9 પીએસઆઈમાં ખેડા મૂળ મહેકમમાં રહેલા આર જી ચૌધરી અને એસ વી ગોસ્વામી, અમદાવાદ શહેરના એ કે પઠાણ, અમદાવાદ ગ્રામ્યના ડી વી ચિત્રા, ભાવનગરના વી સી જાડેજા, વડોદરા ગ્રામ્યના બી એન ગોહિલ, પાટણના વી એન પંડ્યા, સુરેન્દ્રનગરના મહિલાઓ પીએસઆઈ કે ડી જાદવ અને કચ્છ પશ્ચિમના ડી ઝેડ રાઠવાની એસએમસીમાં નિયુક્તિ કરાઈ છે.

મળતી માહિતી મુજબ કામગીરીના આધારે નિમણુંક અપાતી શાખામાંથી તાજેતરમાં જ એક પીઆઈ અને 5 પીએસઆઈને પરત મૂળ મહેકમમાં મૂકી દેવાયા બાદ હવે નવા અધિકારીઓની નિયુક્તિ સાથે એસએમસીમાં હાલ 6 જેટલાં પીઆઈ અને 9 જેટલાં પીએસઆઈ કાર્યરત રહેશે.

કામગીરીના રિપોર્ટ પર એસએમસીમાં અપાય છે નિયુક્તિ

પોલીસ ખાતામાં ફરજ બજાવતા કોઈ પણ અધિકારી-કર્મચારીઓની એસએમસીમાં તેમની કામગીરીના રિપોર્ટના આધારે નિમણુંક આપવામાં આવે છે. મોટાભાગે એસએમસીમાં નિમણુંક પામતા અધિકારીઓના એટેચ ઓર્ડર કરવામાં આવતા હોય છે જેનો મતલબ એવો છે કે, અધિકારીઓના પગાર ભથ્થા તેમના મૂળ મહેકમની કચેરી એટલે કે તેઓ અગાઉ જ્યાં ફરજ બજાવતા હતા ત્યાં જ થતો હોય છે પરંતુ તેમની ફરજનું સ્થળ એસએમસી હોય છે. એસએમસીમાં નિમણુંક મળ્યા બાદ પણ સતત તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

શું છે સ્ટેટ મોનીટરીંગ સેલની મુખ્ય કામગીરી?

સ્ટેટ મોનીટરીંગ સેલની રચના રાજ્યભરમાંથી દારૂ અને જુગારની બદ્દી ડામવા માટે કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપીની સીધી રાહબરીમાં રાજ્યના કોઈ પણ છેડે દારૂ-જુગારને લગતી રેઇડ કરી શકાય છે. ઉપરાંત અન્ય પણ ગોરખધંધા જેવા કે, જ્વલનશીલ પદાર્થની ગેરકાયદે સંગ્રહખોરી અને વેચાણ ઉપર પણ એસએમસી દરોડો પાડી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.