લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની ગુજરાત ભાજપના આગેવાનોને હાંકલ
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટીને રિતસર હચમચાવી દીધી છે. આજે અમદાવાદ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં તમામ ઉપસ્થિત આગેવાનોએ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની વાત પર ભાર મૂક્યો હતો.
આજે બપોરે અમદાવાદના પાલડી વિસ્તારમાં ટાગોર હોલ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની વિશેષ ઉ5સ્થિતિમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં લોકસભાની આગામી ચૂંટણીમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હોમ સ્ટેટમાં ભાજપ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવે એટલું જ નહિં રેકોર્ડબ્રેક લીડ સાથે ભાજપના ઉમેદવારો વિજેતા બને તે માટે સંગઠન માળખાને મજબૂત બનાવવા પર જોર મૂકવા માટે આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 30 મેના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી 9 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. જેની દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવશે. આજે પ્રદેશ ભાજપ કારોબારીમાં આ મુદ્ે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 9 વર્ષ બેમિશાલ અંતર્ગત ઘર-ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેના માટે ભાજપના આગેવાનોને વિસ્તૃત યાદી તૈયાર કરવા માટેની ટકોર કરી હતી. 30મી મેથી ભાજપ દ્વારા સતત એક મહિના સુધી મહાસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. જેની આજે વિધિવત રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કારોબારીમાં લેવામાં આવેલા વિવિધ નિર્ણયો અંગે માહિતી આપવા માટે સાંજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવશે.