મુસાફરોને વાઈરસથી સલામત રાખવા રાજકોટ એસ.ટી. ડીવીઝને કરી “સફાઈ”
ડ્રાઈવર-કંડક્ટરને ઓપન હાઉસ યોજી માર્ગદર્શન અપાયું: બસ સ્ટેન્ડ પર હેન્ડવોશ અને સેનેટાઇઝરની સુવિધા ઉભી કરાઈ
કોરોના વાયરસને ગુજરાતમાં પર્વેશતો અટકાવવા માટે એસ.ટી નિગમ દ્વારા રાજ્યની તમામ એસ.ટીને સાફ સફાઈ કરતા રહેવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજથી રાજકોટના ગોંડલ રોડ પર સ્થિર એસ.ટી વર્કશોપ ખાતે રાજકોટ ડેપો અને ડીવીઝનની ૫૦૦ એસ.ટી બસોને સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રાઈવર-કંડક્ટરનો પણ કોરોના વાયરસને અટકાવવા શુ કરવું અને શું ના કરવું તેનાથી જાગૃત કરવા ઓપન હાઉસમાં માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાજકોટ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામક યોગેશ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસે ભારતમાં પગ પેસારો કર્યો છે ત્યારે તેની સંભવત અસર ને રોકવા માટે સાવધાનીની જરૂર પડી છે જેના ભાગરૂપે આજથી બસોને સાફ રાખવાનો ડ્રાઈવર અને કંડક્ટરને આદેશ આપવામાં આવ્યો છે. કોરોના વાયરસ જાગૃતતા પોગ્રામ હેઠળ રાજકોટ ડીવીઝનની ૫૦૦ બસોને અંદરથી સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ છે ઉપરાંત સીટોને પણ લિકવિડથી સાફ કરવામાં આવી રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર-કંડક્ટરોને પણ કોરોના વાયરસની જાગૃતતા માટે ઓપન હાઉસ યોજીને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટ એસ.ટી વર્કશોપ અને બસ સ્ટેન્ડમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ હેન્ડ વોશ અને સેનેટાઇઝરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઉપરાંત તમામ બસોના કાચ ખુલ્લા રાખવા, પડદા હોય તો હટાવી લેવા, સીટ તેમજ બસ બોડીમાં જંતુનાશક દવાથી સાફ સફાઈ કરવાની ડ્રાઈવર અને કંડક્ટરને આદેશ આપી દેવાયો છે.
રાજ્યની બહાર જતી એસ.ટી બસોમાં વિશેષ સાફ સફાઈ રાખવા અને માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી છે. સાફ સફાઈની કામગીરી આવતા ૧ અઠવાડીયા સુધી નિયમિત કરવામાં આવશે.