જામનગર શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે અને તે પણ અનેક દિવસોથી બંધ છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ બંધ સ્ટ્રીટ લાઈટ પાસે જાણે માથુ નમાવી પસાર થતા હોય તેમ કોઈ પગલાં લેતા નથી. મોટા ઉપાડે એલઈડી લાઈટનો સૌ પ્રથમ ઉપયોગ કરવા અંગે પોતાની જ પીઠ થાબડનારા ભાજપના શાસકોને  આ બંધ લાઈટો ચાલુ કરી લોક સુવિધા આપવામાં ક્યો ગ્રહ નડે છે? એક તરફ ગારા-કિચડ અને  ઉપરાંત અંધારૃ હોવાથી લોકો રાત્રે ઠેબા ખાય છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં એલઈડી સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવામાં આવી છે, પરંતુ વરસાદ પછી શહેરના મહત્તમ વિસ્તારોમાં અનેક સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. કેટલીક તો નકામી બની ગઈ છે અને કંપનીમાં બદલાવવા માટે મોકલવી પડે તેમ છે, પરંતુ થાંભલેથી લાઈટ ઉમટે તો તેને બદલાવાયને.

હાલ તો આ બંધ લાઈટો થાંભલે ટીંગાતી હોય તેમ શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે, પરંતુ જામનગર મહાનગરપાલિકા પ્રજાના પૈસે લીલા લહેર કરતા પદાધિકારીઓ અને અધિકારીઓ પાસે આ કામ માટે સમય નથી. પરિણામે અનેક વિસ્તારમાં લોકોએ નજરે જોયા મુજબ પંદર દિવસથી લાઈટ બંધ છે.

મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટ પેઢીના કર્મચારીઓ કામ ઉપર નહીં આવતા હોવાની ફરિયાદનો પ્રવાહ ઘટતો ન હતો. આ પછી મહાનગરપાલિકાએ બે ડઝન કર્મચારીને નોકરીમાં રાખ્યા છતાં ફરિયાદમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.જવાબદારો કહે છે કે અમુક લાઈટો ગેરેન્ટી પીરિયડમાં છે.

માટે તે બદલાવવાની છે, પરંતુ ક્યારે તેનો જવાબ તેમની પાસે નથી.જો વધુ પૂછપરછ કરવામાં આવે તો અધિકારી-પદાધિકારી એમ કહે છે કે અમો કોન્ટ્રાક્ટર પેઢીને દંડ ફટકારશું, પરંતુ શું દંડનિય કાર્યવાહીથી લોકોની સમસ્યા હળવી થશે? કે પછી નક્કર કોઈ કામગીરી કરવાથી સમસ્યા હળવી થશે. મહાપાલિકામાં શાસકો દરેક વાતને ’પૈસા’થી શા માટે તોલી રહ્યા છે. શું સેવા સુવિધાની પણ કિંમત હોઈ શકે ખરી?

તાજેતરમાં હળવા વરસાદી ઝાપટાના કારણે અનેક વિસ્તારોમાં ગારા-કિચડની સમસ્યા ઊભી થવા પામી છે. બીજી તરફ પવિત્ર શ્રાવણ માસમાં લોકો વહેલી સવારે અને મોડી રાત્રે દેવ-દર્શન માટે જતા હોય ત્યારે અંધારા પાથરતી સ્ટ્રીટ લાઈટના કારણે તેમને નાના-મોટા અકસ્માતનો ભય રહે છે. લોકો માટે કામ કરવાનો ઢોલ પીટતા શાસકો બંધ સ્ટ્રીટ લાઈટો સત્વરે ચાલુ કરી ઉજાલા ફેલાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.