- વ્યર્થ જતી વીજળીનો કોઈ અર્થ નથી, નાના–નાના પ્રયાસો કરીને મોટી વીજ બચત કરીએ: આચાર્ય દેવવ્રતજી
ઉનાળામાં ગરમીના દિવસોમાં વીજ વપરાશ વધશે ત્યારે આપણે થોડી કાળજી રાખીએ. નાના–નાના પ્રયાસો કરીએ તો મોટી બચત કરી શકીશું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સરકારી ઑફિસોમાં અધિકારીઓ – કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં પ્રવેશે ત્યારે જ વીજ ઉપકરણો ચાલુ કરવા અને પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળતી વખતે તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળવાનો અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જો આમ થશે તો વીજળીનો વ્યર્થ વપરાશ બંધ કરી શકાશે. વ્યર્થ જતી વીજળીનો કોઈ અર્થ નથી. વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૂચવ્યું હતું કે, ઉનાળામાં દિવસ લાંબો હોય એટલે સૂર્યપ્રકાશ મોડી સાંજ સુધી હોય છે. સવારે પણ સૂર્યપ્રકાશ વહેલો થઈ જાય છે. એટલે સવારે સૂર્યોદય થાય તેની 20 મિનિટ પહેલાં સ્ટ્રીટ લાઈટ બંધ કરી શકાય અને સાંજે સૂર્યાસ્તની 20 મિનિટ પછી સ્ટ્રીટ લાઈટ ઑન કરી શકાય. સમગ્ર રાજ્યમાં આ રીતે સવાર–સાંજ 20-20 મિનિટ સ્ટ્રીટ લાઈટ દ્વારા જ વીજળીની બચત કરી શકાય તો એક દિવસમાં 40 મિનિટના વીજ વપરાશની બચત થઈ શકે. આ રીતે સમગ્ર રાજ્યમાં લાખો–કરોડો યુનિટની વીજ બચત થઈ શકે. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ પોતપોતાના જિલ્લાઓમાં સ્ટ્રીટ લાઈટ દ્વારા આ રીતે વીજ વપરાશમાં બચત થાય અને જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ–કર્મચારીઓ પોતાની ચેમ્બરમાં વીજળીનો વ્યર્થ વપરાશ થતો અટકાવે તે માટે લેખિત આદેશો આપે તે જોવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ માર્ગ–મકાન વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વીજળીની બચત માટે લોકોએ સજાગ થઈને પોતાની માનસિકતા બદલવી પડશે. રાજ્યના મહાનગરો, નગરપાલિકા વિસ્તારો, તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તથા સરકારી કચેરીઓમાં આ પ્રકારે વીજળીની બચત થશે તો સમગ્ર રાજ્યમાં મોટી વીજ બચત કરી શકાશે.
રાજભવનમાં વીજ વપરાશમાં 25,838 યુનિટનો ઘટાડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના નિયમિત માર્ગદર્શન અને વીજ બચત માટેના અસરકારક પ્રયત્નોથી રાજભવનમાં ગત વર્ષોની સરખામણીએ વીજ વપરાશમાં 25,838 યુનિટનો ઘટાડો થયો છે. એટલું જ નહીં, સોલાર ઉર્જાનો વપરાશ વધારવાના રાજ્યપાલના અનુરોધને પગલે રાજભવનમાં વીજ વપરાશમાં 43% વીજળી સૂર્ય ઉર્જાથી ઉત્પન્ન વીજળી વપરાય છે. આગામી વર્ષમાં રાજભવનમાં જરૂરિયાતની 58% વીજળી સૂર્ય ઉર્જાથી ઉત્પન્ન કરી શકાય તેવું આયોજન છે. હાલમાં રાજભવનની 181 કિલોવોટ સોલાર જનરેશન ક્ષમતા છે. વધુ 6,600 ચોરસ ફુટ ક્ષેત્રમાં સોલાર પેનલ્સ લગાડવાનું આયોજન છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સુચના અને સતત માર્ગદર્શનથી રાજભવનના વિશાળ પરિસરમાં અત્યારે દરરોજ સૂર્યોદયથી 20 મિનિટ પહેલાં લાઇટ્સ ઑફ કરી દેવાય છે અને સૂર્યાસ્તની 20 મિનિટ પછી જ લાઈટ્સ ઑન થાય છે. આમ રાજભવનમાં દરરોજ 40 મિનિટનો વ્યર્થ વીજ વપરાશ અટકાવીને વીજળીની બચત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના રૂમમાંથી બે મિનિટ માટે પણ બહાર નીકળે તો તમામ વીજ ઉપકરણો બંધ કરીને પછી જ નીકળે છે.