મોટરમાં ધસી આવેલા છ શખ્સોએ સિકયુરીટી ગાર્ડને ગાળો ભાંડી
પશુઓને ધાસચારો આપતા નથી ને કતલખાને ધકેલી દયો છો કહ્યું
અઢીસોથી ત્રણસો ઢોર દડીયા અને આસપાસના ખેતરોમાં ધુસ્યા
ઉભો પાક બચાવવા ખેડૂતોએ ખેતરોમાં રાત વિતાવી
તંત્રે સાંજ સુધીમાં ઢોર ફરી પકડી ડબ્બે પુરવા ખાત્રી આપી
જામનગરના રણજીતસાગર નજીકના મહાનગરપાલિકાના ઢોરના ડબ્બા (ગૌશાળા)માં ગઈકાલે સાંજે એક મોટરમાં ધસી આવેલા છ શખ્સે સિકયુરીટી ગાર્ડને ગાળો ભાંડી ગૌશાળાના દરવાજાને ધકકો મારી પછાડી દીધા પછી અંદર ઘુસી જઈ બાંધીને રાખવામાં આવેલા અઢીસોથી ત્રણસો જેટલા ઢોરને છુટા મુકી દેતા વછૂટેલા ઢોર દડીયા ગામ તથા આજુબાજુના ખેતરોમાં ઘુસી ગયા હતાં જેથી ખેડૂતોમાં પાકનો નાશ થવાનો ભય પ્રસરી ગયો છે. બનાવની જાણ થતા જામ્યુકોના તંત્ર વાહકો અને પોલીસ દોડી ગયા હતાં. પોલીસે સીસીટીવી ફૂટેજ નિહાળ્યા પછી છ સામે જાહેર મિલકતને નુકસાન સહિતના ગુન્હાઓ નોંધી તપાસ આદરી છે.
જામનગર-સમાણા ધોરીમાર્ગ પર આવેલા રણજીત સાગર ડેમ પાસે દડીયા ગામ નજીક જામનગર મહાનગરપાલિકાનો ઢોરનો ડબ્બો (ગૌશાળા) આવેલો છે જેમાં મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ તેમજ રખડતા ઢોર પકડવાની શાખાના સ્ટાફ દ્વારા જુદાજુદા સ્થળેથી પકડવામાં આવેલા ઢોર રાખવામાં આવે છે ત્યાં સતત નજર રહે તે માટે સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ પણ ગોઠવવામાં આવ્યું છે.
થોડા સમયથી શહેરભરમાં મોટાભાગના માર્ગો પર રખડતા ઢોરની સંખ્યા વધી જતાં ઢોર પકડવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. ઢોરના ડબ્બાના તે સ્થળે ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે જીજે-૧૦-ડીએ-૨૦૦૪ નંબરની ઈકો મોટર આવીને ઉભી રહી હતી તેમાંથી ઉતરેલા છ શખ્સો સડસડાટ ઉતરીને ઢોરના ડબા સુધી આવી પહોંચ્યા હતાં તેઓએ ડબ્બાના સ્થળ પર હાજર સિકયુરીટી ગાર્ડ ભીખુભાઈ હિરાભાઈ તંબોલીયાએ તેઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાર્ડને ગાળો ભાંડી આ શખ્સો ડબાના દરવાજાને ધકકો મારી પાડી નાખ્યા પછી અંદર પ્રવેશી ગયા હતાં.
ઉપરોકત શખ્સોએ તમે લોકો પશુને ઘાસચારો આપતા નથી, કતલખાને ધકેલી દયો છો તેમ કહી અંદર રહેલા અઢીસો થી ત્રણસો જેટલા ઢોરને છોડી નાખી ગૌશાળાની બહાર ધકેલી દીધા હતાં. જેના પગલે ડબાથી બહાર નીકળી દડીયા, રણજીતસાગર રોડ પરના જુદા-જુદા વાડી-ખેતરમાં તે ઢોર ઘુસી ગયા હતાં. ઉપરોકત કૃત્ય આચર્યા પછી તે શખ્સો નાસી છુટયા હતાં.આ બનાવની સિકયુરીટી ગાર્ડ ભીખુભાઈએ પોતાના અધિકારીને જાણ કરતા સોલીડ વેસ્ટ શાખાનો સ્ટાફ દોડયો હતો અને પોલીસને જાણ કરાતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.ડી.પરમાર અને અન્ય પોલીસ સ્ટાફ પણ ધસી ગયા હતાં.
બનાવની મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલને જાણ કરાઈ હતી જયારે આટલી મોટી સંખ્યામાં એક સાથે દડીયા-રણજીતસાગર રોડ પર ઢોર આવી જતાં ટ્રાફીક પણ અવરોધાયો હતો. ત્યાં આવેલા ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો, શ્રમિકો પણ ઢોરની આવડી મોટી સંખ્યાને દોડી આવતી જોઈ હેબતાઈ ગયા હતાં. દડીયાના ગ્રામજનો આ ઢોર ઉભા પાકને નુકસાન ન પહોંચાડે તે માટે સતર્ક બન્યા હતા અને તેઓએ આખી રાત્રિ પોતાના ખેતરોમાં વિતાવી પાકનું મહામહેનતે રક્ષણ કર્યું હતું જો કે, ધસી આવેલા મહાનગરપાલિકાના સ્ટાફે આજ સાંજ સુધીમાં તે તમામ ઢોરને ફરીથી પકડી લઈ ગ્રામજનોને રાહત અપાવવાની બાંહેધરી આપી છે. તેમ છતાં ગ્રામજનોના જીવ પડીકે બંધાયેલા છે.
આ બનાવની પોલીસે તાકીદે તપાસ શરૃ કરી છે. ડબ્બામાં ફીટ કરવામાં આવેલા સીસીટીવીના ફુટેજ પોલીસે નિહાળ્યા પછી આ કૃત્ય આચરનાર શખ્સોમાંથી જામનગરના શાંતિનગરમાં રહેતા રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજાની ઓળખ મેળવી લીધી છે. હાલમાં રવિરાજસિંહ અને અન્ય પાંચ શખ્સ સામે ઉપરોકત બઘડાટી બોલાવી જાહેર મિલકતને નુકસાન કરવા અંગે આઈપીસી ૧૪૩, ૧૪૭, ૪૨૭, ૪૪૭, ૩૨૩,૫૦૪ પ્રીવેન્સન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ હેઠળ ગુન્હો નોંધાયો છે. ઉપરોકત શખ્સોએ સિકયુરીટી ગાર્ડ ભીખુભાઈ ઉપરાંત તેઓની મદદમાં આવેલા રમેશભાઈને પણ ગાળો ભાંડી હતી. પોલીસે તમામ આરોપીના સગડ દબાવ્યા છે.