રાજ્યમાં વધતા જતા રખડતા ઢોરના ત્રાસને લઈ સરકાર દ્વારા રખડતા ઢોરને પકડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કાયદા વિરુદ્ધ રાજ્યભરના માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જેને પગલે 21 અને 22 સપ્ટેમ્બરના રોજ મળનારા વિધાનસભા સત્રના પહેલા દિવસે ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામાં આવશે.
સરકારે સ્વીકારી માલધારી સમાજની માંગ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સરકારને પશુ નિયંત્રણ બિલ પરત મોકલ્યું છે અને વિચારણા કરવા કહ્યું છે. રાજ્યભરના માલધારી સમાજ દ્વારા આ કાયદાને પરત લેવાની માંગ કરવામાં આવી રહી હતી. માલધારી સમાજે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ અંકુશ કાયદો પરત લેવામાં આવશે.
માલધારીઓ દ્વારા કાયદાનો વિરોધ
આ કાયદાનો રાજ્યભરમાં માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગાંધીનગરના શેરથામાં હજારો માલધારી દ્વારા દૂધ ન ભરવાના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઢોર નીયંત્રણ બિલમાં આ છે મહત્વની જોગવાઈ
1) શહેરી વિસ્તારોમાં પશુ રાખવા લાઇસન્સ લેવું પડશે
2) લાઇસન્સ ધરાવનારે 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવો પડશે
3) કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરાઇ છે
4) શહેરી વિસ્તારોમાં ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજી વખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ અને ફોજદારી ગુનો દાખલ કરાશે
5) પકડાનારા ઢોરની માલિકીનો 7 દિવસમાં દાવો ન થાય તો માલિકી પાલિકાની થઇ જશે
6) ઢોર પકડ પાર્ટી પર હુમલાના કિસ્સામાં વ્યક્તિ અથવા સમૂહને 1 વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ
7) પાલિકા હસ્તકના ઢોરવાડાનાં ઢોર જાહેરમાં મળશે તો માલિક અથવા મેનેજરને ઢોરદીઠ 50 હજારનો દંડ