હું માનું છું કે રાત્રે જ મારું મગજ દોડવાનું શરૂ થાય છે. વાર્તામાં કયો વળાંક ક્યારે આપવો એની સૂઝ મને રાતનાં સમયે જ પડે છે! પરંતુ દીકરાનાં જન્મ બાદ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બપોરે 1 થી સાંજે 7 સુધી હું ઓફિસ પર બેસીને કામ કરું છું અને આઠ વાગ્યા પછીની તમામ મીટિંગ્સ અને કામકાજ ઘેર બેસીને જ આટોપું છું
I Love Sex! : હું ચોક્ક્સપણે મારી જાતને ફેમિનિસ્ટ માનું છું. એમ છતાંય આજની તારીખેય ‘ગંદી બાત’ અને ‘ક્યા કુલ હૈ હમ’ જેવા બીજા 10 શો અને ફિલ્મ બનાવી શકું. પુરૂષો કોઇ સુંદર સ્ત્રીને જુએ એમાં સમસ્યા નથી, પરંતુ જ્યારે એ પોતાની હદ વટાવવાનું શરૂ કરે ત્યારે મારી અંદરની નારી બળવો પોકારે છે! સેક્સ સામે પણ મને કોઇ વાંધો નથી. અજાણ્યો માણસ આવીને એમ કહેશે કે તમારા શોમાં સેક્સનું પ્રમાણ ખૂબ વધારે છે તો એમને મારો જવાબ હશે, આઇ લવ સેક્સ! પરંતુ જાણી-જોઇને અગર હું સેક્સ્યુઅલ ક્રાઇમને સુપિરિયર સાબિત કરતી હોઉં તો એ વખતે મારે ચેતી જવાની જરૂર છે.
દાયકાઓથી ટેલિવિઝન ક્ષેત્રે એકહથ્થુ શાસન ભોગવી રહેલી ટેલિવૂડની આ મહારાણીએ પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરાની પત્ની અને મશહૂર ફિલ્મ-ક્રિટીક અનુપમા ચોપરા સમક્ષ પેશ કર્યા, પોતાની જિંદગીનાં કેટલાક વાંકા-ચૂંકા વળાંકો! એકતા કપૂરની વાત આવે એટલે સ્વાભાવિક રીતે મનમાં સૌથી પહેલા સાસ-બહુની સીરિયલો ચમકે! પરંતુ એવી ખબર પડે કે એકતા હવે પોતાની સીરિયલોથી તદ્દન અલિપ્ત થઈ ગઈ છે ત્યારે રીએક્શન કેવાક હોય? બીજું, લગ્ન કર્યા વગર પોતાનાં ભાઈ તુષાર કપૂરની માફક સરોગસીની મદદ લઈ એકાદ મહિના પહેલા તેણે એક પુત્રને જન્મ આપ્યો. અબજોપતિ પ્રોડ્યુસર, ક્ધટેન્ટ ક્રિએટર, રાઇટર એકતાએ પોતાની નવી જિંદગીમાં આવેલા બદલાવ વિશે અનુપમા ચોપરા સાથે એકદમ નિખાલસપણે વાતો શેર કરી. આમ તો એ પોણી કલાકનો વીડિયો ઇન્ટરવ્યુ છે, પરંતુ સફળ વ્યક્તિએ સફળતા પામવા શું નવું કર્યુ એ જાણવાનું મને હંમેશાથી પસંદ પડ્યું છે આથી એમની વાતચીતનાં કેટલાક મહત્વનાં મુદ્દાઓને અહીં આપ સૌ વાંચક મિત્રો સાથે વહેંચી રહ્યો છું.
હું ભારે અપરાધભાવ હેઠળ જીવી રહી છું. કોઇ માતા સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ આ સત્ય છે. બાળક આવ્યા પછી તમે જે કંઈ પણ કરો એમાં અપરાધભાવ સામેલ હોય જ! અત્યારે હું ઓફિસ જાઉં કે ઘેર હોઉં, મારા દીકરાને સમય ન આપી શકવાની બાબત મને બહુ ગિલ્ટ અપાવે છે. તદુપરાંત, મારી પોતાની લાઇફ પણ અચાનક જ બદલી ગઈ છે. વધુ સમય હવે મારે ઘેર રહીને દીકરાની સારસંભાળ કરવી પડે છે. એકતાની જીવનશૈલી પહેલેથી જ થોડી અલગ કહી શકાય એવી રહી છે. સવારે સૂવાનું અને રાત્રે કામ! મોટાભાગની મીટિંગ અને સ્ક્રિપ્ટ અંગેના કામકાજ તે વર્ષો પહેલાથી રાત્રે જ કરતી આવી છે. હું માનું છું કે રાત્રે જ મારું મગજ દોડવાનું શરૂ થાય છે. વાર્તામાં કયો વળાંક ક્યારે આપવો એની સૂઝ મને રાતનાં સમયે જ પડે છે! પરંતુ દીકરાનાં જન્મ બાદ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બપોરે 1 થી સાંજે 7 સુધી હું ઓફિસ પર બેસીને કામ કરું છું અને આઠ વાગ્યા પછીની તમામ મીટિંગ્સ અને કામકાજ ઘેર બેસીને જ આટોપું છું.
થોડા દિવસો પહેલા એકતાએ પોતાનાં ઇન્સ્ટાગ્રામમાં બ્રેઇન-મેપિંગ ચિકિત્સાનાં અમુક ફોટો મૂક્યા હતાં. કેટલાકને આશ્ચર્ય થયું હતું કે આ વળી કઈ બલા છે? બ્રેઇન-મેપિંગ વિશે ટૂંકાણમાં કહેવું હોય તો, મગજ નહીં પરંતુ મનનો એક્સ-રે! વિચારોનું એમ.આર.આઈ! રાત-દિવસ મગજ જ્યારે સતત કામ કરી રહ્યું હોય ત્યારે તેનાં આરામ ફરમાવવાનાં સમયે પણ તે પૂરતું ઉંઘી નથી શકતું. એકતાએ કબૂલ્યું કે વર્ષોથી એકધારી રીતે કામ કરતું રહેવાને લીધે તેનું મગજ હવે કામ સિવાયનાં કલાકોમાં પણ બંધ નથી થઈ શકતું. ઇચ્છા ન હોવા છતાં સતત એમાં વિચારો આવ-જા કરે છે. સ્વિચ-ઓન અને સ્વિચ-ઓફ્ફની આખી પ્રક્રિયા જ ખોરવાઈ ગઈ છે. જેનાં લીધે બેચેની,ગુસ્સો, ઉદ્વેગ, અજંપાનું પ્રમાણ વધી જાય છે. આજે હું ફક્ત પાંચેક કલાક માટે સૂઈ શકું છું, એનાથી વધારે સૂવા ઇચ્છું તો પણ શક્ય નથી. બ્રેઇન-મેપિંગ કરાવ્યા પછી બીજી એકાદ કલાકની શાંતિપૂર્ણ ઉંઘ ખેંચી કાઢવાનું હવે શક્ય બની રહ્યું છે! પરેશાની એ છે કે કામકાજ અને પૈસા કમાવવાની લ્હાયમાં આપણે આપણી મેન્ટલ હેલ્થ ચકાસવાનું ભૂલી જઈએ છીએ. આપણા મગજની દરેક ઝીણામાં ઝીણી બાબતો ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવી જરૂરી છે, એના વગર તો કશું શક્ય જ નથી!
બાલાજી ટેલિફિલ્મ્સનાં 8 ટીવી શો, બાલાજી મોશન પિક્ચર્સની 4 ફિલ્મ્સ, ઓલ્ટ બાલાજી એપ્લિકેશન પર રીલિઝ થયેલા 30 વેબ શો અને આગામી મહિનાઓમાં 30 નવી વેબસીરિઝ! આટઆટલું હાલમાં ઓન-ફ્લોર છે. તદુપરાંત, 107 નવા કોન્સેપ્ટ્સ, સ્ટોરીઝ ડેવલપ થઈ રહી છે. જેના સ્ક્રિપ્ટિંગથી માંડીને પોસ્ટ-પ્રોડક્શન સુધીનું કામકાજ એકતા એકલા હાથે સંભાળી રહી છે. વ્યક્તિ 1 કે 2 કામ એકીસાથે કરી રહ્યો હોય તો પણ ઘણી વખત તેને પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. તો જરાક વિચાર કરો, આટલા પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરવું એ કેટલું મુશ્કેલ હશે! એકતાને પોતાનાં કોન્ટેન્ટની ગુણવત્તા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે શું જવાબ આપ્યો હશે?
હું નાગિન જેવી ટોચમાં રહેનારી સીરિયલો બનાવ્યા પછી આત્મસંતોષ માટે ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ જેવી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી જ શકું! ત્રણ પ્રકારનાં દર્શકવર્ગ હોય છે : ટીવી તો ફેમિલી સાથે બેસીને જ જોઇ શકાય. બીજી બાજુ, ફિલ્મ પાસે કોમ્યુનલ વ્યુઅર્સ છે. અને ત્રીજા ડિજિટલ વ્યુઅર્સ, જેમની પોતપોતાની વ્યક્તિગત ચોઇસ છે. આ ત્રણેય રકારની ઓડિયન્સ માટે એમને ગમતાં કોન્ટેન્ટ પીરસવા એ મારું કામ છે. જોકે, હાલમાં તો સ્થિતિ એવી છે કે છેલ્લા 24 વર્ષથી નિરંતરપણે કામ કરી રહ્યા હોવાને લીધે મગજ એક સુપરકમ્યુટરની માફક દોડવા લાગ્યું છે. મારી સામે કોઇ સ્ક્રિપ્ટનું નરેશન થતું હોય ત્યારે ફક્ત ત્રણ મિનિટની અંદર હું એમાંથી વાંધાજનક બાબતો ખોળી શકું! ટીવી પર ધ્યાન આપવાનું મેં સાવ ઓછું કરી દીધું છે. બાલાજીનાં બે ટેલિવિઝન હેડ એનું સઘળું કામકાજ સંભાળી રહ્યા છે. એ બંનેની નીચે બીજા 5-6 ક્રિએટીવ હેડ કામ કરી રહ્યા છે, જેમનું કામ ટીઆરપી આવે છે કે નહીં એ જોવાનું છે. દરેક ટીમ પાસે 5-5 રાઇટર્સ છે. આગામી મહિનાઓમાં પાંચ નવા ટીવી શો લોન્ચ થઈ રહ્યા છે.
અનુપમા ચોપરાએ તરત જ પ્રશ્ન પૂછ્યો કે, તો તને ટીઆરપી બાબતે ચિંતા થવાનું ક્યારે શરૂ થાય છે? એકતાનો જવાબ હતો, હું હવે ટીઆરપી બાબતે ખાસ ચિંતા નથી કરતી. રાઇટર્સને એમનું કામ કરવા દઉં છું. ટીઆરપી તો વધે-ઘટે પરંતુ એના કારણે બીજા લોકો ચિંતામાં મૂકાય એ મને નથી પસંદ! પહેલા હું બહું ઓબ્સેસિવ હતી. સમય સાથે શાંત રહેતાં શીખી ગઈ છું! જીવનમાં પુષ્કળ ચડાવ-ઉતાર જોઇ લીધા બાદ અહીં પહોંચી છું. બે દાયકા પહેલાની એકતા અને આજની એકતામાં જમીન-આસમાનનો ફર્ક છે. રસ્તા પર કોઇને મારવા માટે ચપ્પલ વગર દોડતી એકતા, ગુસ્સાને લીધે મોબાઇલ ફોનનાં ટુકડા કરી નાંખતી એકતા હવે બદલી ગઈ છે! એક લુઝર છોકરી, જેની પાસેથી કોઇને અપેક્ષા નહોતી કે આ પોતાનાં જીવનમાં કશુંક ઉકાળી શકશે એણે આજે પોતાનાં દમ પર ઇન્ડસ્ટ્રીમાં વિશેષ સ્થાન બનાવ્યું છે, બસ! ખુશ છું હું! કોઇ ફરિયાદ નથી. જીવનનાં આ તબક્કે ક્યારેય કોઇને જજ નથી કરતી. દરેક વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે જ વર્તતો હોય છે. એમાં ક્યારેય એનો વાંક ન કાઢી શકાય!