હું ઓફિસે કામ કરી રહ્યો હતો. અચાનક પપ્પાનો ફોન આવ્યો અને કહ્યું કે એમણે મને વોટ્સએપ માં એક છોકરીનો ફોટો મોકલ્યો છે જેનું નામ રેણુકા છે. એ ફોટો જોઈને મે કહ્યું કે છોકરી સારી છે તો પપ્પાએ કહ્યું રવિવારે આપણે એને જોવા જવાનું છે.
ઘરે ગયો અને એ છોકરી વિશે વધારે ચર્ચા કરી. એના વિશે વિસ્તારમાં જાણવા મળ્યું કે એ સીધી સાદી છોકરી છે. સાદગીભર્યું જીવન જીવવું એને ગમે છે. એકની એક છોકરી છે અને અત્યારે નોકરી કરી રહી છે. આ વાત મને ગમી કેમકે મારે એવી છોકરી સાથે લગ્ન કરવા હતા કે જે નોકરી કરી શકે. ભવિષ્યમાં મોંઘવારી વધવાની છે એટલે પતિ અને પત્નિ બંને કમાતા હોય તો ઘર સારી રીતે ચાલે. મને એના વિશે વધારે જાણવાની ઈચ્છા થઈ. હું એને મળવા માટે આતુર હતો.
રવિવાર આવ્યો અને અમે એના ઘરે ગયા. ઘર બહુ દૂર હતું અને આસપાસ કોઈ રહેતું પણ ન હતું. અમે અંદર ગયા થોડી વાર બેઠા પછી છોકરી અમારા માટે ચા લઈને આવી. છોકરી ફોટા માં જેટલી સુંદર દેખાતી હતી તેના કરતા પણ વધારે સુંદર મારી સામે દેખાતી હતી. અમારા મમ્મી પપ્પા એ એકબીજા વિશે વાતો કરી. કુટુંબીજનોની ઓળખ કરાવી. છોકરીના પપ્પાએ કહ્યું કે તમારે બંનેને એકબીજા સાથે કંઈ વાત કરવી હોય તો અંદર રૂમમાં જઇને વાત કરી શકો છો. મારા મનમાં ઘણા સવાલો હતા. પપ્પાએ કહ્યું પેલા થોડી વાર વાતો કરી લઈએ પછી ભલે એ બંને અંદર જઈને વાતો કરે. છોકરી ના પપ્પા એ ખુબ જ ભાર આપ્યો કે ના તમે બંને અંદર જઈને વાત કરો. ઘણીવાર આ સાંભળતા મને થોડી શંકા ગઇ પછી પપ્પા બોલ્યા કે જાઓ વાંધો નહીં બંને વાત કરી લો અને એકબીજાને જે પૂછવું હોય તે પૂછી લેજો.
હું અંદર ગયો તેના રૂમ માં અંધારું હતું. હું બોલ્યો રેણુકા તું અંદર છો કે નહિ કેમકે અંધારું હતું અને કંઈ દેખાતું ન હતું. એના રૂમમાંથી અજીબ દુર્ગંધ આવતી હતી. હું બહાર આવ્યો અને બોલ્યો કે અંદર કોઈ નથી. રૂમ માં અંધારું છે. રેણુકા પણ દેખાતી નથી તો રેણુકા ના પપ્પા એ કહ્યું કે એ અંદર જ છે તમે જાઓ હું અંદર ગયો જોયું તો રેણુકા સુતી હતી. મેં જોરથી કહ્યું કે રેણુકા ઊભા થાઓ કેમ સુતા છો. તે અજીબ અવાજમાં બોલી નજીક તો આવ મારી. મને આ સાંભળતાં થોડી નવાઈ લાગી કે આવું કેમ બોલી હશે. હું થોડો નજીક ગયો. એ પાછી બોલી મારી પાસે આવી જા અને મારી બાજુમાં બેસી જા મજા આવશે. મને એનો અવાજ અને જેવું એ બોલી રહી હતી એ સાંભળીને ડર લાગવા લાગ્યો. મેં કહ્યું લાઈટ તો કરો તો રેણુકા બોલી કે મને અંધારું જ પસંદ છે તું મારી પાસે તો આવ મારા રાજા. આવું સાંભળતા મને વધુ ડર લાગ્યો. મેં મોબાઇલ ની ફ્લેશલાઈટ ચાલુ કરી અને સ્વીચ શોધી. સ્વીચ ઓન કરીને જોયું તો રેણુકા ગાયબ હતી. મેં બુમ પાડી રેણુકા ક્યાં ગયા તમે. મારા મોઢા પર એક ટીપું પડ્યું મેં જોયું તો એ લોહીનું ટીપું હતું અને ઉપર જોયું તો રેણુકા પંખા પર લટકાયેલી હતી અને એના પગ ઊંધા હતા. એ મારા પર કૂદી અને મારી ગરદન પર જોરથી બટકું ભર્યું. મેં બહાર તરફ ભાગવા પ્રયત્ન કર્યો પણ તે દરવાજા વચ્ચે ઊભી રહી ગઇ અને એનું મોઢું પણ ઊંધું હતું. મારો ડર વધી ગયો ધબકારા વધી ગયા મેં એને પકડીને ધક્કો માર્યો અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો ખૂલ્યો નહીં. રેણુકા મારી પાસે આવી અને બોલી ક્યાં ભાગી રહ્યો છે? તું મારો આજનો નાસ્તો છે હું તને ખાઈ જઈશ. એના મોટા મોટા દાંત મોઢામાંથી બહાર આવ્યા. મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખૂલ્યો જ નહીં. મેં જોરથી બૂમ પાડી બચાવો બચાવો તો બહારથી પપ્પા એ દરવાજા ને જોરથી ધક્કો માર્યો અને દરવાજો તૂટી ગયો.
બધું જ અલગ અલગ દેખાવા લાગ્યું. મને રેણુકા એ બતાવ્યું કે એની સાથે શું થયું હતું. તેના મમ્મી-પપ્પાએ રેણુકાના મનપસંદ છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી અને રેણુકા એ આત્મહત્યા કરી લીધી. રેણુકા ની આત્મા ઘરમાં ભટકી રહી હતી. તેના મમ્મી-પપ્પા ને હેરાન કરતી હતી. કંટાળીને રેણુકા ના પપ્પાએ પૂછ્યું કે અમે શું કરીએ કે જેથી તું અમને પરેશાન કરવાનું બંધ કરે ત્યારે રેણુકા એ કહ્યું કે હવેથી તમે મારા માટે છોકરો શોધશો અને જે છોકરો મને જોવા માટે આવશે હું તેને મારી નાખીશ એટલે રેણુકા બધા છોકરા ને મારી નાખતી હતી.
હું બહાર ભાગ્યો મારી સાથે મમ્મી-પપ્પા પણ જલદીથી ઘરની બહાર નીકળી ગયા. અમે તરત જ ત્યાંથી નીકળીને ઘરે આવી ગયા.
આ મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ અને સૌથી ખરાબ યાદ બની ગઈ.
– આર. કે. ચોટલીયા