જામનગર ન્યુઝ : આજનો માનવી ભાગદોડભર્યું જીવન જીવી રહ્યો છે.જેના પરિણામે સ્ટ્રેસનો ખૂબ અનુભવ થઈ રહ્યો છે. બીજી બાજુ સમયના અભાવને લઈને બાળકો અને પરિવારજનોને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ જવા માટે ખૂબ સમય લાગી જતો હોય છે. અથવા સમય ન પણ મળતો હોય છે. આવી સ્થિતિ વચ્ચે તમે આંગણે પણ અમુક છોડ વાવી અને જે મનને પ્રફુલિત કરી શકે તેવા પતંગિયાને મહેમાન બનાવી શકો છો. બીજી બાજુ ચાર અવસ્થા માંથી પસાર થતા પતંગિયાના રહસ્યમય જીવન વિશે જાણવું એ પણ એક લહાવી છે.
મરીન નેશનલ પાર્ક જામનગરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતીક જોશી પતંગિયાના જીવન વિશે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે પતંગિયાનો જીવનકાળ ચાર અવસ્થામાંથી પસાર થાય છે. એક અંદાજ મુજબ ભારતમાં લગભગ 18000 જેટલા પતંગિયાની જુદી જુદી પ્રજાતિઓ હોય છે અને તેમાં પણ ગુજરાતમાં લગભગ 180 જેટલી જાતના પતંગિયાઓની પ્રજાતિ જોવા મળે છે.
વધુમાં પતંગિયા ખોરાક પર ઊભા રહીને તેનો સ્વાદ ચાખે છે. કારણ કે તેમની સ્વાદ પારખવાની શકિત તેમના પગમાં હોય છે. પતંગિયાં દિવસમાં ખોરાકની શોધમાં રખડે છે અને રાતે નિષ્કિય થઈ આરામ કરે છે.
નર પતંગિયાની સંખ્યા માદા પતંગિયા કરતાં વધારે છે. માદા 400 ઈડા મૂકે છે. એક અઠવાડિયા બાદ ઈડામાંથી લાવૉ નીકળે છે. લાવૉ તૂટેલા ઈડાનાં છોતરાંમાંથી જ પોતાનો ખોરાક મેળવે છે. પછી પાંદડાં ખાવા લાગે છે. લાવૉ તેમના વજન કરતાં પણ વધારે પાંદડાં ખાઈ જાય છે.
થોડા દિવસ બાદ લાવૉ પ્યૂપામાં પરિવર્તિત થાય છે અને સમય જતા આ પ્યૂપામાંથી પતંગિયું નીકળે છે. થોડી મિનિટોમાં તેમની પાંખોમાં લોહીનો પ્રવાહ શરૂ થઈ જાય છે અને તે ઊડવા માટે તૈયાર થઈ જાય છે. પુખ્ત વયનું થતા પતંગિયું ફૂલોમાંથી રસ ચૂસવા લાગે છે. પતંગિયાનું આયુષ્ય માત્ર 1 વષૅ હોય છે. મોટાભાગે પતંગિયાં ફૂલોનો રસ ચૂસીને પોતાનો ખોરાક મેળવે છે.
જોકે ધરતી પર એવાં ઘણાં પક્ષીઓ અને જીવજંતુઓ છે જેઓ પતંગિયાંનો શિકાર કરીને ખાઈ જાય છે. જેને લઈને પતંગિયાની સંખ્યા ચિંતાજનક રીતે ઘટે છે. કેટલાંક પતંગિયાં ઝેરીલાં પણ હોય છે. તેઓ મુખ્યત્વે લાલ, લીલો અને પીળા જેવા પ્રાથમિક રંગો જ જોઈ શકે છે. પતંગિયા સાંભળી શકતાં નથી. આ કારણે તેઓ શિકારીઓને તેમના કંપનથી જ ઓળખી કાઢે છે.
સાગર સંઘાણી