સલમાન-રંભા-કરીશ્માના સ્થાને ધમાલ
કલાકારો:-તાપસી પન્નુ, જેકલીન ફર્નાન્ડીઝ, વરુણ ધવન, અનુપમ ખેર, સલમાન ખાન (ગેસ્ટ રોલ)
ડાયરેકટર:-ડેવિડ ધવન
મ્યુઝિક:-અનુ મલિક
ફિલ્મ ટાઈપ:-રોમ કોમ
સિનેમા સૌજન્ય:-કોસ્મોપ્લેકસ
રેટિંગ:-૫ માંથી ૩ સ્ટાર
ફિલ્મ વિશે:-જુનો દા‚, નવી બોટલ કહેવત એટલે જુડવા-૨. જેમ ગોવિંદાની ફિલ્મો મગજ ઘરે મુકીને દર્શકો જોતા બરોબર તેમજ જુડવા-૨ માટે લખવું પડે. કોઈપણ લોજિક વિનાની ફિલ્મ એટલે જુડવા-૨. આમ છતાં જુડવા-૨ને પ્રથમ દિવસે ૪૦% કલેકશન મળ્યું છે. શુક્રવારે ફિલ્મને સારું ઓપનિંગ મળ્યું, આજે શનિવારે ચોથો શનિવાર અને દશેરાની જાહેર રજા, પછી રવિવાર અને સોમવારે મહોરમની જાહેર રજાનો લાભ જુડવા-૨ને બેશક મળશે. ટુંકમાં, જુડવા-૨ હીટ ફિલ્મની કેટેગરીમાં આવી જશે.
સ્ટોરી:-૨૦ વર્ષ પહેલા સલમાન ખાનની ફિલ્મ જુડવા રજુ થઈ હતી. આ મસાલા ફિલ્મ તેનું સંગીત, લટકા-ઝટકાવાળા ડાન્સ અને ઢંગધડા વગરની કોમેડીના કારણે સુપરહીટ થઈ હતી. સલમાન ખાનની સાથે દક્ષિણ ભારતની હીરોઈન રંભા અને કરીશ્મા કપૂર હતી. જુડવા-૨ની સ્ટોરી લાઈન એ જ છે પરંતુ મોર્ડન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં પણ વ‚ણ ધવન ડબલ રોલમાં છે. તેની સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને તાપસી પન્નું છે. લોસ્ટ એન્ડ ફાઉન્ડની થીમ છે. જોકે, જુડવાનું એકસ ફેકટર એટલે શકિત કપુર આમાં મિસિંગ છે. જુડવામાં સલમાન ખાનનો તોતડો મિત્ર બનેલો શકિત દર્શકોને ખુબ હસાવી ગયો હતો. ઓરિજિનલ ફિલ્મમાંથી બે ગીતો જેમના તેમ ફિટ કરી દેવાયા છે. જોકે તેની બિટમાં ફેરફાર કરાયો છે અને યુવા ગાયિકા નેહા કકકડનો અવાજ રીમિકસ કરાયો છે. તેના સંગીતકાર અનુ મલિક છે. ટન ટના ટન અને લિફટ તેરી બંધ હે ગીતો હિટ છે.
એકિટંગ:-વરુણ ધવન, જેકલિન ફર્નાન્ડીઝ અને તાપસી પન્નુની તિકડી ફિલ્મમાં ધમાલ મચાવે છે. તાપસી પન્નુએ સાબિત કર્યું છે કે તે પિંક અને નામ શબાના પછી હળવીફુલ કોમિક ભૂમિકા પણ કરી શકે છે. પડદા પર મન મુકીને દેહપ્રદર્શન કરી શકે છે ને ચુંબન દ્રશ્યો પણ આપી શકે છે. જુડવા-૨થી વરુણનો ચાહક વર્ગ બહોળો થશે. જેકલીન ફર્નાન્ડીઝ કેક પરની આઈસિંગ જેવી છે.
ડાયરેકશન:જુડવાના ડાયરેકશનનો કોપી રાઈટ વરુણના પપ્પા ડેવિડ ધવન પાસે છે. તેમણે ગોવિંદાને લઈને જ હિટ ફિલ્મો આપી શકે છે તેવુ મહેણુ ભાંગવા સલમાન ખાનને લઈને જુડવા બનાવી હતી. ત્યારપછી તેઓ સલમાનના ફેન બની ગયા. તેઓ કહેવા લાગ્યા કે સલમાન ખાને જેવો એટિટયુડ પડદા પર કોઈ જ બનાવી શકતું નથી. ગોવિંદાને ત્યારે ડેવિડથી ખોટુ લાગી ગયેલું. ઓવરઓલ, જુડવા-૨ એક મનોરંજક ફિલ્મ છે. જે સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેકસના દર્શકોને ગમશે.