ગુજરાત રાજયના સફાઈ કામદાર દ્વારા પોતાની પડતર માંગણી સંદર્ભે અગાઉ આપેલા એલાન મુજબ આજરોજ સફાઈ કામદારોની હડતાલ અનુસંધાને કેશોદ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો હડતાલ પાડી સફાઈ કામગીરીથી દુર રહ્યા છે.

કેશોદ નગરપાલિકા સફાઈ કામદારો બે દિવસ કાળી પટ્ટી પહેરી સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. કેશોદ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અંદાજે ૧૦૦ જેટલા કાયમી અને રોજમદાર કર્મચારીઓ કેશોદ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલીમાં સુત્રોચ્ચાર કરતા નીકળ્યા હતા. સમગ્ર ગુજરાત સફાઈ કામદારો દ્વારા સરકાર સમક્ષ તા.૧૨/૨/૨૦૧૯ના રોજ આવેદનપત્ર આપીને તમામ ૧૬૨ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવા ઉપરાંત સરકારી કચેરીમાં, સંસ્થાઓમાં, નગરપાલિકાઓમાં સફાઈ કામગીરી કોન્ટ્રાકટ પઘ્ધતિથી કરાવવામાં આવે છે તે બંધ કરવા માંગણી કરી છે. શિક્ષણ ક્ષેત્રમાં વાલ્મિકી સમાજને ૨ ટકા અનામતનો લાભ આપવામાં આવે અને ચાલુ ફરજ દરમ્યાન અવસાન થતાં સફાઈ કામદારને રૂપિયા ૧૫ લાખ ચુકવવામાં આવે એવી માંગણી કરી છે.

કેશોદ નગરપાલિકાના સફાઈ કામદાર આગેવાનો જેન્તીભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, આજરોજ અમો તમામ સફાઈ કામદારો હડતાલમાં જોડાયા છીએ અને જરૂર પડશે તો હડતાલ હજુ ચાલુ રાખીશું. કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડેડ પ્રવિણભાઈ વિઠલાણીએ જણાવ્યું હતું કે, કેશોદ નગરપાલિકા દ્વારા સફાઈના પ્રશ્ને શહેરીજનોને અગવડતા ના પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવશે અને ડોર ટુ ડોર કચરાનું કલેકશન અને મશીનરીના ઉપયોગથી કચરાના પોઈન્ટ અને મૃત ઢોરનો નિકાલ કરી સંભવત સફાઈ જાળવવા પ્રયત્ન કરવામાં આવશે.

કેશોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને કાયમી ધોરણે ભરતી કરવા વહિવટી પ્રક્રિયા છેલ્લા આઠ માસથી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.