સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઈ-કોમર્સ કંપનીઓ, ઓટીટી પ્લેટફોર્મ તેમજ ડિજિટલ ન્યૂઝ મીડિયા માટે સરકાર દ્વારા નવા નિયમો લદાયા છે. ત્યારે ભારતમાં રહી વેપલો કરતી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓનો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે ઊધડો લીધો છે. તેમણે આકરી ટિપ્પણી કરતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે મની અને મસલ પાવરથી ઈ-કોમર્સ જાયન્ટ્સ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરવાનું બંધ કરે અન્યથા સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે ઘણી મોટી ઇ-કોમર્સ કંપનીઓ ભારતમાં મોટું રોકાણ કરી નફો રળી રહી છે પણ જાણી જોઈને ભારતીય કાયદાઓને તોડી રહી છે.આવી કંપનીઓને સાંખી નહીં લેવાય. તેઓએ ભારતના જમીની કાયદાઓનું સંપૂર્ણપણે પાલન કરવું જ પડશે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે વધુમાં જણાવતા કહ્યું કે સાથે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ ભારતીય હિતોને નુકસાન પહોંચાડવા માટે જે મની અને મસલ પાવરનો ઉપયોગ કરી રહી છે તેને ટાળવું જોઈએ. નવા કાયદાઓનો હેતુ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. ભારતીય બજાર વિશાળ છે અને અમે તમામ કંપનીઓને અહીં આવવા અને તેમાં ભાગ લેવાનું આમંત્રણ આપીએ છીએ. પરંતુ અહીં એ પણ સ્પષ્ટ કરીએ છીએ કે તેઓએ તેમની વ્યવસાયિક પ્રવૃત્તિ દેશના કાયદાની મર્યાદામાં રહીને જ કરવી પડશે.
જાયન્ટ્સ ઈ-કોમર્સ કંપની એમેઝોનને ટાંકતા પિયુષ ગોયલે કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માત્ર તેમનું વ્યવસાયિક કદ અને કારોબાર મોટો હોવાને કારણે તેમને દેશના કાયદાઓનું ઉલ્લંઘન કરવાની મંજૂરી આપી શકાતી નથી. જો બધી કંપનીઓ સંપૂર્ણ રીતે ભારતીય કાયદાઓનું પાલન કરશે તો તે વધુ સારું રહેશે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2020માં તેમણે એમ પણ કહ્યું હતું કે જેફ બેઝોસની ઇ-કોમર્સ કંપની એમેઝોન ભારતમાં રોકાણ કરીને કોઈ તરફેણ કરી રહી નથી. એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે મોટી ઓનલાઈન રિટેલિંગ કંપનીઓ આટલા ઓછા ભાવે માલ વેચવાથી થતા નુકસાનની ભરપાઇ કેવી રીતે કરે છે.??