ટેન્ડરની શરત મુજબ નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરનાર કોન્ટ્રાકટરો સામે આકરા પગલા લેવાશે: મેયરની તાકીદ
તમામ સરકારી કોન્ટ્રાકટરો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. રાજકોટ મહાપાલિકાના ઝોનલ કોન્ટ્રાકટરો હડતાલમાં જોડાયા નથી પરંતુ અન્ય કોન્ટ્રાકટરો હડતાલમાં જોડાતા આજથી આવાસ યોજનાના કામો બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાપાલિકાની ત્રણેય ઝોન કચેરીના સિટી ઈજનેરોએ જણાવ્યું હતું કે, સરકારી કોન્ટ્રાકટરો જીએસટીના વિરોધમાં હડતાલ પર ઉતરી ગયા છે જેમાં મહાપાલિકાના એક પણ ઝોનલ કોન્ટ્રાકટર જોડાયા ન હોવાના કારણે શહેરમાં હાલ તમામ પ્રકારની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. દરમિયાન આવાસ યોજનાનું કામ કરતા કોન્ટ્રાકટરો ગુજરાત ગર્વમેન્ટ કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા આપવામાં આવેલા બંધમાં જોડાઈ જતા આજે તમામ આવાસ યોજનાના કામો અટકી પડયા હતા. મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આ હડતાલ સંદર્ભે જણાવ્યું હતું કે, ટેન્ડરની શરત મુજબ નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર તમામ કોન્ટ્રાકટરો સામે આકરા પગલા લેવામાં આવશે. આવાસ યોજનાનું કામ અટકાવી દેવાયું હોવાની જાણકારી મને મળી છે. દરમિયાન સફાઈ, ડ્રેનેજ કે વોટર વર્કસને લગતા કામો કોઈ કોન્ટ્રાકટર અટકાવશે તો તેને બ્લેક લીસ્ટ કરવા સહિતના આકરા પગલા લેવામાં આવશે. કોન્ટ્રાકટરોને કેની સામે વિરોધ છે તેનાથી અમને કોઈ મતલબ નથી. ટેન્ડરની શરત મુજબ કામ થાય તે વાતમાં જ રસ છે.