વિદ્યાર્થીઓમાં ભારે રોષ: તાત્કાલિક આ બાબતે નિવેડો નહીં આવે તો વિદ્યાર્થીઓની ઉગ્ર આંદોલનની ચીમકી.
નવા વર્ષની શરૂઆતમાં જ પડધરીની પ્રજાને તંત્ર દ્વારા એક પછી એક ભેટ મળી રહી હોય તેમ હાલ પડધરીના એસ.ટી.ડેપોમાં વિદ્યાર્થીઓ તથા મુસાફરીના પાસ કાઢવાનું બંધ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડેપોનું લોકાર્પણ તા.૧૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ આ વિસ્તારના સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી વલ્લભભાઈ કાકડીયા દ્વારા કરવામાં આવેલ. જેને હજી બે વર્ષ પણ પૂર્ણ થયેલ ન હોય અને વહીવટ ખાડે ગયો હોય તેમ તંત્રની ઘોર બેદરકારીના લીધે ડેપોમાં ગંદકી તથા અસામાજીક તત્વોનો ત્રાસ અસહ્ય બન્યો છે.
વધુમાં પડધરી વિસ્તારના અસંખ્ય વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે પાસ સુવિધા બંધ કરતા હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરતા સ્ટાફની ઘટનું બાનુ આપી રહ્યા છે. આગામી સમયમાં આ બાબતે યોગ્ય નિવેડો નહીં આવે તો વિદ્યાર્થી મંડળો તથા પડધરી તાલુકાની જનતા દ્વારા ઉગ્ર આંદોલનો પણ કરવામાં આવશે.
આ ઉપરાંત એસ.ટી.તંત્ર દ્વારા પડધરીની ઉપેક્ષા કરવામાં આવી રહી હોય એ રીતે પડધરીમાં સ્ટોપ આપ્યા હોવા છતાં ઘણા રૂટની બસો સીધી જ બાયપાસ રોડ પરથી જતી રહે છે. તેમજ સ્થાનિક જવાબદાર અધિકારી દ્વારા એક પણ નિયમોનું યોગ્ય રીતે પાલન કરાવવામાં આવતું નથી. એસ.ટી.ડેપોની અંદર પણ ખાનગી વાહનો પેસેન્જરોને ભરતા હોય તેવા દ્રશ્યો પણ હવે સામાન્ય બન્યા છે. આ એસ.ટી.ડેપો સરકારી નહીં પરંતુ ખાનગી ડેપો હોય તેવું પ્રજા અનુભવી રહ્યા છે.