પરાળ બાળવાથી થતા પ્રદૂષણ અંગે કોર્ટે દિલ્હી અને પંજાબ સરકારને સખત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંને સરકારોને કહ્યું, પ્રદૂષણ રોકવાનું કામ તમારું છે. ખેડૂતોને વિલન ન બનાવો. ખેડૂતોને પ્રોત્સાહક સૂચન કરવાની સાથે ટોચની અદાલતે પરાળ સળગાવનારાઓ સામે કડક પગલાં લેવા પણ જણાવ્યું હતું. ખંડપીઠે કહ્યું કે આવા ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)નો લાભ ન આપવો જોઈએ. કોર્ટે પૂછ્યું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને નાણાકીય લાભ કેમ મળવો જોઈએ?
પરાળ નહીં સળગાવવા બદલ ખેડૂતોને નાણાકીય પ્રોત્સાહન સહીતના પગલાં લેવા રાજ્ય-કેન્દ્ર સરકારને સૂચન
જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધૂલિયાની બેન્ચે મંગળવારે સુનાવણી દરમિયાન દિલ્હીના એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)ને વધુ ખરાબ કરનાર સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને રેખાંકિત કરતાં કોર્ટે કહ્યું કે, આ નવેમ્બર છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ પ્રદૂષિત વર્ષ હતું. સર્વોચ્ચ અદાલતે પંજાબને હરિયાણા સરકાર પાસેથી બોધપાઠ લેવાની સલાહ આપી હતી જેમાં ખેડૂતોને પરાળ બાળવાનું રોકવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે છે. વધુમાં અદાલતે કહ્યું હતું કે, જે ખેડૂતો પરાળ સળગાવી પ્રદુષણને પ્રોત્સાહન આપે છે તેમને લઘુતમ ટેકાનાં ભાવનો લાભ આપવાનું બંધ કરી દો.
કોર્ટે પંજાબ અને યુપી તેમજ દિલ્હી સરકારને કહ્યું, કારણ જાણી શકાય છે. સમસ્યા વર્ષોથી જાણીતી છે અને તેનું નિયંત્રણ કરવાનું તમારું કામ છે. જસ્ટિસ ધુલિયાએ કહ્યું કે, ખેડૂતોને તેમની સમસ્યાઓ રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ ન આપવાથી તેમનું અપમાન થાય છે અને તેઓ વિલન બને છે. છેવટે તેમની પાસે પરાળ સળગાવવા પાછળ કોઈ કારણ તો હશે જ. પ્રશ્નો ખૂબ જ સુસંગત છે કે તેઓ આવું કેમ કરી રહ્યા છે? રાજ્ય સરકારો અમને આ જવાબ આપવા સક્ષમ નથી.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ મામલે રાજનીતિ ભૂલી જવી જોઈએ અને કેવી રીતે પરાળ બાળવા પર કાબૂ મેળવવો તે શોધવું જોઈએ.
ખંડપીઠે કહ્યું કે જે ખેડૂતો પરાળ સળગાવવાનું ટાળતા નથી તેમને ડાંગરનો પાક ઉગાડવા દેવો જોઈએ નહીં. નોંધનીય છે કે એનજીટી અને સુપ્રીમ કોર્ટના આદેશો છતાં પંજાબમાં પરાળ સળગાવવા પર પ્રતિબંધ નથી. અહીં મંગળવારે પણ 513 જગ્યાએ પરાળ સળગાવવામાં આવ્યો હતો.