સિરામિક એસોસિએશન ની ટીમ દ્વારા હાઇવે ઉપર ૨૨ ટ્રકોનું ચેકિંગ કરાયું : બધા ટ્રકોમાં બિલથી જ વ્યવહાર

જીએસટી કાયદાના અમલ બાદ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા બિલ વગર ધંધો નહીં કરવા નક્કી કરાયા બાદ ગઈકાલે રાત્રે હાઇવે ઉપર ટાઇલ્સ ભરેલા ટ્રકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ટ્રકો માં બિલ સાથે જ માલ મોકલાયાનું જણાયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ૧જુલાઈ થી જીએસટી કાયદાના અમલ બાદ સિરામિક એસોશિએશન દ્વારા મીટીંગ બોલાવી સર્વાનુમતે ફ્લોરટાઈલ્સ, વોલ ટાઇલ્સ અને વિટરીફાઇડ ટાઇલ્સના તમામ ઉત્પાદકોએ બિલ વગર વેચાણ નહિ કરવાનું નક્કી કરી ગ્રાહકોને કોઈ પણ જાત નું કમિશન ન આપવા ઉપરાંત સેમ્પલ ટાઇલ્સના બોક્સ પણ બિલ વગર કારખાના બહાર ન કાઢવા નક્કી કર્યું હતું.

દરમિયાન કોઈ સિરામિક એકમ દ્વાર બિલ વગર ધંધો તો નથી કરવામાં આવતો ને તેની ચકાસણી કરવા ગઈકાલે રાત્રે સિરામિક એસોસિએશન દ્વારા હાઇ-વે પર  રેન્ડમ ટાઇલ્સ ભરેલી આસરે ૨૨ ગાડીની ચકાસણી કરવામાં આવી હતી જેમા કોઈ જ પ્રકારની ગેરરીતિ જોવા મળેલ ન હોવાનું સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જીએસટી અમલ બાદ સિરામિક એકમો ને ગેસ વપરાશ બાદ વેટ રિફંડ મળવાનું બંધ થતા એસો.દ્વારા તમામ પ્રકારની ટાઇલ્સ માં ૧૦ ટકા નો ભાવ વધારો પણ અમલી બનાવાયો છે ત્યારે આ ચેકિંગ માં એસોસિએશન દ્વારા બિલમાં લગાવવામાં આવેલ ચાર્જ સહિતની બાબતો પણ ચેક કરવામાં આવી હતી.

નોંધનીય છે કે સિરામિક એસોસિએશન દ્વારા બિલ વગર વેચાણ કરનાર એકમ સામે રૂપિયા પાંચ થી દશ લાખનો દંડ ફટકારવા નક્કી થયું છે ત્યારે દંડ ઉપરાંત હાઇવે ઉપરના ચેકિંગ બાદ સિરામિક વ્યવસાયમાં બિલ વગર વેચાણ ની બદી દૂર થશે તેવું મનાઈ રહ્યું છે.

આ ચેકિંગની કાર્યવાહીમાં સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેષભાઈ જેતપરીયાની સાથે વિજય પટેલ,મુકેશ કુંડારીયા,પ્રદીપ કાવઠીયા,નરેન્દ્ર પટેલ,જયેશ પટેલ,પરેશભાઇ લેમન,અનિલભાઇ પટેલ,પ્રયાગ પટેલ,વિપુલભાઇ પટેલ અને બીજા અન્ય ૧૨ લોકો સાથે મળી અને કુલ ૨૨ લોકો એ પેટ્રોલીંગ કરી ટ્રક નું ચેકિંગ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.