૧૨ મીએ રાજ્ય શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં બોર્ડના સભ્ય મૂકશે પ્રસ્તાવ
રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉતરવહીનું પુન:મૂલ્યાંકન કરવાને બદલે માત્ર રૂબરૂ અવલોકન કરવા દેવામાં આવતું હોવાથી અનેક વિદ્યાર્થીઓને ગુણમાં સુધારો મળતો હોય તો પણ થતો નથી ત્યારે ઉતરવહીનું પુન:મૂલ્યાંકન કરવા બોર્ડના સભ્યએ માંગ ઉઠાવી છે. સાથે જ રાજ્યમાં રાત્રી શાળા શરૂ કરવા માટે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ૧૨ ઓક્ટોબરના સામાન્ય સભા છે ત્યારે બોર્ડના સભ્ય ડો.નિદત બરોટે વિજ્ઞાન પ્રવાહની ઉતરવહીનું રી – અસેસમેન્ટ અમલમાં મૂકવા માંગ કરી છે. તેમણે જણાવ્યુ કે, ઘણા રાજયમાં ધો.૧૦ – ૧૨ માં અને યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉતરવહીનું પુન:મૂલ્યાંકન થાય છે પરંતુ ગુજરાત બોર્ડમાં અમલમાં નથી. બોર્ડના વિદ્યાર્થીઓને ઉતરવહીના રૂબરૂ અવલોકન માટે બોલાવવામાં આવે છે. પરંતુ ગુણમાં કોઈ સુધારો મળતો હોય તો બોર્ડ ગુણ સુધારો આપતું નથી.
જેને કારણે વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે. પેપર ચકાસવામાં ભૂલ કરનાર શિક્ષકોને બોર્ડ દંડ ફટકારે છે પરંતુ વિદ્યાર્થીને ગુણ સુધારો આપતું નથી. જેથી ધો.૧૨ સાયન્સમાં કોઈ પણ બે વિષયમાં પુન:મૂલ્યાંકન કરવાની છૂટ આપવામાં આવે તે જરૂરી છે. શિક્ષણ બોર્ડના અન્ય સભ્ય ડો.પ્રિયવદન કોરાટ જણાવે છે કે, મહારાષ્ટ્રમા ધો.૧૧ – ૧૨ જુનિયર અને કોલેજ અને મુંબઈ યુનિવર્સિટી દ્વારા રાત્રિ કોલેજો ચલાવવામાં આવે છે. જેને કારણે શ્રમજીવીઓ અને ધાંધણી જવાબદારીને કારણે દિવસ દરમ્યાન રેગ્યુલર અભ્યાસમાં ન જોડાઈ શકતા વિદ્યાર્થીઓ રાત્રિ કોલેજનો લાભ લઈ શકે છે. તે મુજબ ગુજરાત રાજ્યમાં ધો.૯ થી ૧૨ ની રાત્રિ શાળા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ છે.
સાથે જ ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં કેટલાક સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવે છે. જ્યાં સામૂહિક રીતે પરીક્ષામાં ચોરી થતી હોય છે. જોકે અમુક તેજસ્વી અને પ્રમાણિક વિદ્યાર્થીઓ ચોરી કરવા માંગતા નથી તેમને આ બાબત નડતરરૂપ સાબિત થાય છે. જેથી આવા સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રમાં જે પ્રમાણિક વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવું પડે તેવી સ્થિતી ઊભી થાય તો જીલ્લા કક્ષાએ પસંદ કરેલા પરીક્ષા સ્થળમાં પરીક્ષા આપવા જવા મંજૂરી આપી પરીક્ષા કેન્દ્ર બદલવાની છૂટ આપવામાં આવે તે જરૂરી છે.