એસટી નિગમ નફો નહીં સેવાનું વિચારે: ગ્રામ્ય વિસ્તારની જનતાની સુવિધા છીનવાઇ જશે: કર્મચારી સંધનો ઉગ્ર વિરોધ
કચ્છ (ભુજ)વિભાગ એલટી મજદુર સંઘે વડાપ્રધાન નરેન્દ્રમોદીને પત્ર પાઠવી રાજય પરિવહન નિગમ (એસટી)ને બચાવવા તથા કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનો નિકાલ કરવા માગણી કરી છે.
એસટી મજદુર સંઘના કિરતસિંહ સી. પરમારે આવેદનમાં જણાવ્યુ છે કે દેશના તમામ રાજયોમાં પરિવહન નિયમ હોય તે આવશ્યક અને જરૂરી છે, પરંતુ કેટલાક રાજનેતાઓ દ્વારા પરિવહન નિગમ ઉપર પોતાના અંગત સ્વાર્થ માટે ૯૦ના દશકાથી ખાનગીકરણ કરવાની શરૂઆત કરી છે.
સને-૧૮૯૮થી ૧૯૫૦ના સમયગાળા દરમિયાન ખાનગી વાહન વ્યવસ્થા જોયા બાદ સને-૧૯૫૦માં આર.ટી.સી. એકટ મુજબ રાજય પરિવહન નિયમની સ્થાપના કરવામાં આવી. કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ નિગમને બહુ જ જનતાની સેવામાં મુકવામાં આવેલ અને તેમાં ખુબ મોટો નફો પણ થઇ રહ્યો હતો.પરિવહન સેવા અને તેની નફાકારકતા કેટલાક રાજનેતાઓને અને ખાનગી વાહનધારકોથી જોઇ શકાઇ નહી અને તેમને એમ.વી. એકટ-૧૯૮૮ તૈયારી કરી ખાનગી વાહનોને પરમીટ આપવાની શરૂઆત કરી અને તેના થકી આજે રાજય સરકાર હસ્તકના એમ.ટી. નિગમોનું ખાનગીકરણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે નિગમ અને રાજયની પ્રજા માટે નુકશાન કારક છે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે રાજય પરિવહન નિગમ તે નહી નફો, નહી નુકશાનના ધોરણે પ્રજાને પરિવહન સેવા પુરી પાડતુ એમક હોય તેને નફા-નુકશાનના આંકડા સાથે જોડવુ યોગ્ય નથી. આમ છતાં, પણ જો એસ.ટી. નિગમનું ખાનગીકરણ કરવામાં આવે તો ખાનગી પાર્ટીના વાહનો દુર-દુરના અંતરિયાળ ગામડાઓ/ કસ્બામા પોતાનું વાહન નહી ચલાવે. તે તો તાલુકા જિલ્લાથી મહાનગરો માટે રાજયના મુખ્ય માર્ગો ઉપર જ સંચાલન કરશે અને તેના કારણે ગામડા તેમજ અંતરિયાળ વિસ્તારની પ્રજાની બસ સેવા છીનવાઇ જશે.
રાજયની પ્રજામાં સરકાર પ્રત્યે નારાજગી ઉભી થશે. જેથી કેન્દ્ર રાજય સરકાર અમે રજુ કરેલ વિવિધ મુદ્દાઓ ધ્યાન ઉપર લે અને રાજયના એસ.ટી. નિગમોની પરિવહન સેવાને વધુ સારી, સુદ્રઢ અને સુવ્યવસ્થિત બનાવે તેવી અમારી લાગણી, માગણી છે. તેમણે કામદારોના પડતર પ્રશ્ર્નોમાં નિકાલ કરવા પણ માગણી કરી છે.